મહારાષ્ટ્ર સરકારે શનિવાર, 26 સપ્ટેમ્બર 2026ના રોજ રાજ્યના 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ નિર્ણયથી રાજ્યના લગભગ 74 ટકા તાલુકા અસરગ્રસ્ત બન્યા છે. લાંબા સમયથી વરસાદની ઘટ અને વરસાદ વચ્ચેના લાંબા વિરામને કારણે પાક અને પાણીની સ્થિતિ પર અસર પડી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

દુષ્કાળગ્રસ્ત તાલુકાઓ માટે જમીન મહેસૂલમાં રાહત, પાક લોનના પુનર્ગઠન, કૃષિ પંપના વીજ બિલમાં છૂટ અને ખેતીલક્ષી લોનની વસૂલાત મુલતવી રાખવા સહિતના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. પાક નુકસાન અંગેની નાણાકીય મદદ માટે અલગ સરકારી નિર્ણય કરવામાં આવશે.

ગુજરાતમાં પણ વરસાદની ઘટ

ગુજરાતમાં રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના 3 સપ્ટેમ્બર 2026ના અહેવાલ મુજબ સરેરાશ મોસમી વરસાદ 75.43 ટકા એટલે કે 685.53 મીમી નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકામાં 6.41 ટકા, પોરબંદરમાં 18.12 ટકા, જામનગરમાં 28.88 ટકા અને કચ્છમાં 29.29 ટકા વરસાદ નોંધાયો હતો.

ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વરસાદની ઘટના આધારે દુષ્કાળ જાહેર કરી શકાય નહીં. આ માટે વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને સ્થળપરિસ્થિતિની તપાસ જરૂરી રહેશે.