પુણે જિલ્લાના લોહાગઢ કિલ્લા પરથી 18 જૂને થયેલા કેતન અગ્રવાલના મૃત્યુને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવ્યું હતું. જોકે તપાસ આગળ વધતાં પોલીસે આ કેસને હત્યાનો કેસ ગણાવ્યો છે. પુણે ગ્રામ્ય પોલીસે વડગાંવ માવળ કોર્ટમાં દાખલ કરેલી 5,053 પાનાની ચાર્જશીટમાં કેતનની મંગેતર સિયા ગોયલ, તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી અને રિતેશ હાંગેને આરોપી બનાવવામાં આવ્યા છે.

પોલીસના દાવા મુજબ, સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ કેતનને લોહાગઢ કિલ્લા પરથી નીચે ધકેલી તેનું મૃત્યુ અકસ્માત જેવું દેખાય તેવી યોજના ઘડી હતી. ચાર્જશીટમાં મોબાઇલ ડેટા, કોલ ડિટેઇલ રેકોર્ડ, સોશિયલ મીડિયા સામગ્રી, મેસેજ, ફોટોગ્રાફ્સ, સાક્ષીઓના નિવેદનો અને ટેક્નિકલ વિશ્લેષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લગ્નથી અસંમતિ અને કથિત હત્યા યોજના

ચાર્જશીટ મુજબ, સિયાની કેતન સાથે 19 ફેબ્રુઆરીએ સગાઈ થઈ હતી. પોલીસનું કહેવું છે કે સિયા આ લગ્ન કરવા ઇચ્છતી ન હતી અને ત્યારબાદ તેણે ચેતન તથા રિતેશ સાથે મળીને કેતનને દૂર કરવાની કથિત યોજના બનાવી હતી. તપાસમાં આરોપીઓએ હત્યાને અકસ્માત તરીકે રજૂ કરવાની રીતો અંગે વિચાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે સિયા અને ચેતને Google, YouTube અને સોશિયલ મીડિયા પર મૃત્યુ, ટ્રેકિંગ દરમિયાન થતા અકસ્માતો અને પુરાવા છુપાવવાના રસ્તાઓ અંગે શોધ કરી હતી. ચાર્જશીટમાં ‘Death Cap Mushroom India’, ‘Women Kills Family by Mushroom’, ‘Easy way to kill someone’, ‘Sonam Case’, ‘Lohagad Fort’, ‘Trekking Incident’ અને ફોન તથા ઓનલાઈન ડેટા ડિલીટ કરવા સંબંધિત શોધ શબ્દોનો ઉલ્લેખ છે.

મન્સી ગોવિંદપુરકર કેસ સાથે કડી

તપાસમાં લોહાગઢ ખાતે માર્ચ 2025માં થયેલા મન્સી ગોવિંદપુરકરના મૃત્યુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 21 વર્ષની મન્સી 18 માર્ચ, 2025ના રોજ કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ ગુમ થઈ હતી. તેના મોબાઇલનું છેલ્લું લોકેશન લોહાગઢ પાસે મળ્યું હતું. સીસીટીવીમાં તે ટેક્સીમાંથી એકલી ઉતરી કિલ્લા તરફ જતી જોવા મળી હતી.

પોલીસ અને શિવદુર્ગ રેસ્ક્યૂ ટીમે બે દિવસ બાદ લોહાગઢની તળેટીમાં, નવગ્રહ મંદિર વિસ્તાર નજીક ઝાડીઓમાંથી તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. શરૂઆતમાં તેના મૃત્યુનું કારણ સ્પષ્ટ નહોતું. બાદમાં ઉપલબ્ધ અહેવાલોમાં તેને જીવન ટૂંકાવવાની ઘટના ગણાવવામાં આવી હતી અને આરોગ્ય સંબંધિત તકલીફો તથા LLBના ત્રીજા વર્ષની પરીક્ષા આપી ન શકવાની પરિસ્થિતિનો ઉલ્લેખ થયો હતો.

ચાર્જશીટ મુજબ, સિયાને Facebook પર મન્સીના મૃત્યુ અંગેની માહિતી મળી હતી. ત્યારબાદ તેણે ચેતન સાથે લોહાગઢની જગ્યા અંગે ચર્ચા કરી હતી. પોલીસનો દાવો છે કે આ સ્થળ કેતનને ધકેલી દેવા માટે યોગ્ય હોવાનું બંનેએ માન્યું હતું અને આ માહિતી રિતેશ હાંગે સાથે પણ વહેંચાઈ હતી.

કોન્ટ્રાક્ટ કિલરની પણ કથિત શોધ

ચાર્જશીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેતનને દૂર કરવા માટે આરોપીઓએ શરૂઆતમાં કોન્ટ્રાક્ટ કિલરની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં તેમણે પોતે જ યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. પોલીસ તપાસમાં આરોપીઓએ લોહાગઢ, ટ્રેકિંગ અને લોનાવળા વિસ્તારમાં ખીણમાં પડવાથી થતા મૃત્યુ અંગે વધુ માહિતી શોધી હોવાનો ઉલ્લેખ છે.

આ કેસમાં આરોપો હજુ કોર્ટમાં સાબિત થવાના બાકી છે. ચાર્જશીટમાં રજૂ કરાયેલા ડિજિટલ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે હવે અદાલતી કાર્યવાહી આગળ વધશે.