મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલા કુનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સફળતા નોંધાઈ છે. ભારતીય ભૂમિ પર જન્મેલી 32 મહિનાની માદા ચિત્તા KJP21એ 5 ઓક્ટોબર, 2026ના રોજ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો છે. આ જન્મ સાથે ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 60 થઈ છે, જેમાં 41 ચિત્તાઓનો જન્મ દેશમાં જ થયો છે.

KJP21 ભારતમાં જન્મેલી અને અહીં જ બચ્ચાંને જન્મ આપનારી ત્રીજી માદા ચિત્તા બની છે. તેના પહેલાં ‘મુખી’ અને KGP12 નામની ભારતીય ભૂમિ પર જન્મેલી માદા ચિત્તાઓએ પણ કુનોમાં પ્રજનન કર્યું હતું. નવા પાંચ બચ્ચાં સાથે ભારતમાં જન્મેલા ચિત્તાઓની સંખ્યા 41 સુધી પહોંચી છે.

બોત્સવાના વંશાવળીનો ભારતમાં પ્રારંભ

KJP21ના બચ્ચાંના પિતા બોત્સવાનાથી ભારતમાં લાવવામાં આવેલો નર ચિત્તો છે. તેથી આ પાંચ બચ્ચાં ભારતમાં બોત્સવાના જિનેટિક વંશાવળીના પ્રથમ પ્રતિનિધિ ગણાય છે. આ વિકાસ પ્રોજેક્ટ ચિત્તા માટે ખાસ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે દેશમાં પુનઃસ્થાપિત થતી ચિત્તા વસ્તીમાં નવી જિનેટિક લાઇન ઉમેરાઈ છે.

કेंद્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ જન્મને પ્રોજેક્ટ ચિત્તા માટે મહત્વપૂર્ણ પડાવ ગણાવ્યો છે. પાંચ બચ્ચાંના આગમનથી દેશમાં જન્મેલા ચિત્તાઓની સંખ્યા કુલ વસ્તીના મોટા હિસ્સા સુધી પહોંચી છે.

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના પુનર્વસન અને સંવર્ધન માટે વન વિભાગ, પશુચિકિત્સકો તથા મેદાની કર્મચારીઓની ટીમ દેખરેખ રાખી રહી છે. તાજેતરના જન્મથી પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતમાં ચિત્તાની નવી પેઢી વિકસવાની પ્રક્રિયાને વધુ વેગ મળ્યો છે.