સુઈગામના હાસ્ય કલાકાર અને સોશિયલ મીડિયા ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’ના અવસાન બાદ કરશનદાસ બાપુ તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. ચંદન રાઠોડનું થોડા સમય પહેલાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. પરિવારજનો સાથે મુલાકાત દરમિયાન બાપુએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ચંદન રાઠોડના અકસ્માતનો ઉલ્લેખ કરતાં કરશનદાસ બાપુએ જણાવ્યું હતું કે, જો ચંદને હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેઓ આજે જીવિત હોત અને લોકો વચ્ચે હાસ્ય વહેંચતા હોત. તેમણે યુવાનોને વાહન ચલાવતી વખતે પ્રમાણિત હેલ્મેટ પહેરવા અને માર્ગસુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
યુવાનોને માર્ગસુરક્ષાનો સંદેશ
કરશનદાસ બાપુએ કહ્યું હતું કે ચંદન રાઠોડની ઘટના યુવાનો માટે ગંભીર સંદેશ સમાન છે. વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખવી અને સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે ચંદનના હાસ્ય અને સમાજને હસાવવાના કાર્યને પણ યાદ કર્યું હતું.
બાપુએ ચંદન રાઠોડની દીકરીના શિક્ષણમાં સહયોગ આપવાની જાહેરાત કરી હતી. દીકરીના અભ્યાસ માટે દર વર્ષે રૂ. 11 હજારની રોકડ સહાય આપવાનું તેમણે જણાવ્યું હતું.
ચંદન રાઠોડના અવસાન બાદ તેમના પરિવારને મળવા સામાજિક આગેવાનો અને અન્ય લોકો પહોંચી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન કરશનદાસ બાપુએ શ્રદ્ધાંજલિ સાથે માર્ગસુરક્ષાનો સંદેશ યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
