રશિયન સેનામાંથી મુક્ત કરાવી ભારત પરત લવાયેલા કેટલાક ભારતીય નાગરિકો ફરી રશિયા ગયા અને ત્યાં સશસ્ત્ર દળોમાં જોડાયા હોવાની માહિતી કેન્દ્ર સરકારે 14 ઓક્ટોબર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં આપી. સરકારના જણાવ્યા મુજબ, હવે આ લોકોનો પત્તો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે.
અદાલત સમક્ષ વિદેશ મંત્રાલયનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરાયો હતો. તેમાં જણાવાયું કે છેલ્લા બે વર્ષમાં રશિયા-યુક્રેન સંઘર્ષના વિસ્તારમાં સૈન્ય સેવાના ગંભીર જોખમ અંગે ભારતીયોને વારંવાર ચેતવવામાં આવ્યા છતાં ભરતીના કિસ્સા સામે આવતા રહ્યા. કેટલાક લોકો પ્રવાસી, વિદ્યાર્થી કે કામકાજના વિઝા પર રશિયા ગયા હતા અને આર્થિક લાભની આશાએ સેનામાં જોડાયા હતા.
સેનામાં જોડાયેલા અને લાપતા ભારતીયોની સ્થિતિ
વિદેશ મંત્રાલયના આંકડા મુજબ, અત્યાર સુધી 267 ભારતીય નાગરિકો રશિયન સશસ્ત્ર દળોમાં જોડાયા છે. ભારતના રાજદ્વારી પ્રયાસોથી 139 લોકોને સમય પહેલાં સેનામાંથી મુક્ત કરાવવામાં આવ્યા. સંઘર્ષ દરમિયાન 51 ભારતીયોનાં મૃત્યુ થયાં છે. તેમાંથી 20ના પાર્થિવ અવશેષોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
અન્ય 77 ભારતીયોનું ઠેકાણું જાણવા ભારતીય દૂતાવાસ રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે. રશિયાએ આ પૈકી સાત લોકો લાપતા હોવાની પુષ્ટિ કરી છે. મૃત્યુ પામેલા ભારતીયોમાંથી પાંચનાં પરિવારોને વળતર મળી ચૂક્યું છે.
પરિવારોને દસ્તાવેજી પ્રક્રિયામાં મદદ
સુપ્રીમ કોર્ટે વિદેશ મંત્રાલયને મૃત ભારતીયોના પરિવારોને રશિયન સરકાર પાસેથી વળતર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને ઔપચારિકતાઓ પૂરી કરવામાં મદદ કરવાનો નિર્દેશ આપ્યો. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના કાનૂની સેવા સત્તામંડળોને પણ અસરગ્રસ્ત પરિવારોને સહાય કરવા કહેવાયું છે.
