દેશમાં 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં 12.6% ઓછા વરસાદ સાથે પૂરું થયું છે. ભારત હવામાન વિભાગના આંકડા મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં 759.4 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે આ સમયગાળાનો સામાન્ય વરસાદ 868.6 મિલીમીટર છે. આ સાથે 2026નું ચોમાસું 2015 પછીનું સૌથી ઓછા વરસાદવાળું રહ્યું અને 2001 પછીના સૌથી નબળા ચોમાસામાં સામેલ થયું.

વરસાદની અછત દેશભરમાં સમાન રહી નથી. પંજાબમાં સામાન્ય કરતાં 41% ઓછો વરસાદ નોંધાયો, જ્યારે રાજસ્થાનમાં આશરે 22%ની અછત રહી. દેશના 282 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો. આ જિલ્લાઓ દેશના આશરે 38% વિસ્તારમાં આવેલા છે. અહેવાલ મુજબ, 43% જિલ્લાઓમાં 20%થી 72% સુધીની અછત નોંધાઈ.

સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયે વરસાદથી થોડી રાહત

ચોમાસાની વિદાય પહેલાં સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં સામાન્ય કરતાં 50% વધુ વરસાદ પડ્યો. તેના કારણે એક અઠવાડિયા પહેલાં 15% રહેલી રાષ્ટ્રીય વરસાદની અછત ઘટીને સિઝનના અંતે 12.6% રહી ગઈ. 122 દિવસની ચોમાસાની સિઝનમાં 77 દિવસ કોઈ ને કોઈ હવામાની સિસ્ટમ સક્રિય રહી હતી, જેના કારણે અંતિમ તબક્કામાં વરસાદ મળ્યો.

પૂર્વોત્તર ભારતમાં સ્થિતિ વધુ નબળી રહી. મેઘાલયમાં સામાન્ય કરતાં 60% ઓછો વરસાદ થયો, જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતના વિસ્તારમાં 1901 પછીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો. બીજી તરફ, ઓડિશામાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ થયો.

10 ઓક્ટોબર સુધી ચોમાસાની સંપૂર્ણ વિદાય

ચોમાસાની વિદાય 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. આગામી તબક્કામાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્ય પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા છે. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી પણ વિદાયની પ્રક્રિયા આગળ વધશે.

દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં જોકે વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 10 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાંથી વિદાય લઈ શકે છે. હવામાન વિભાગના માપદંડ મુજબ ચોમાસાની વિદાય માટે સતત પાંચ દિવસ સુધી વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો, નીચલા વાતાવરણમાં પ્રતિચક્રવાતી સ્થિતિ અને ભેજમાં ઘટાડો જેવા સંકેતો જોવામાં આવે છે.

જળાશયોમાં 71% સંગ્રહ

24 સપ્ટેમ્બર સુધી દેશના 150 મુખ્ય જળાશયોમાં 130 અબજ ઘનમીટર (BCM) પાણી ઉપલબ્ધ હતું. આ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 182.4 BCM છે, એટલે કે જળાશયો આશરે 71% ભરાયેલા હતા. જોકે, ગયા વર્ષની સરખામણીએ આ વખતે પાણીનો જથ્થો ઓછો રહ્યો.

ચોમાસાની શરૂઆત પહેલાં અલ નીનોને કારણે નબળા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ICICI Bankના અહેવાલ મુજબ, ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD) ઇન્ડેક્સ 0.76 સાથે પોઝિટિવ ઝોનમાં પહોંચ્યો છે. તે અલ નીનોની પ્રતિકૂળ અસરને અમુક અંશે ઓછી કરી શકે છે, પરંતુ મજબૂત બની રહેલો અલ નીનો હજુ પણ ચોમાસા માટેનું મુખ્ય જોખમ છે.