ભારત અને મલેશિયાની સેનાઓનો છઠ્ઠો સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘હરિમાઉ શક્તિ-VI’ 19 નવેમ્બરથી મલેશિયાના ઇપોહમાં શરૂ થયો છે. 30 નવેમ્બર સુધી ચાલનારા આ અભ્યાસમાં બંને દેશના 120-120 સૈન્યકર્મીઓ ભાગ લઈ રહ્યા છે. બંને દેશોમાં વારાફરતી યોજાતી આ કવાયતનો મુખ્ય હેતુ સંયુક્ત કામગીરી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તાલમેલ કેળવવાનો છે.
જંગલ અને અર્ધશહેરી વિસ્તારમાં કવાયત
અભ્યાસમાં જંગલ અને અર્ધશહેરી વિસ્તારમાં સંયુક્ત આયોજન તથા વ્યૂહાત્મક સંકલન પર ધ્યાન અપાશે. શરૂઆતમાં બંને દેશના સૈનિકો એકબીજાની કામગીરીની પદ્ધતિઓથી પરિચિત થશે; ત્યારબાદ સંયુક્ત વ્યૂહાત્મક કવાયતો યોજાશે. તાલીમમાં સંયુક્ત કમાન્ડ પોસ્ટ અને દેખરેખ કેન્દ્ર ઊભાં કરવાં, આતંકવાદ વિરોધી કાર્યવાહી, દરોડા, ઘેરાબંધી કરીને તપાસ અને કોમ્બેટ એન્જિનિયરિંગની કવાયતનો સમાવેશ છે.
માનવરહિત અને ડ્રોન-વિરોધી પ્રણાલીઓનો ઉપયોગ
અભ્યાસ દરમિયાન માનવરહિત હવાઈ પ્રણાલી (UAS)નો ઉપયોગ જાસૂસી અને દેખરેખ માટે થશે. વિરોધી ડ્રોનને શોધવા અને નિષ્ક્રિય કરવાની ક્ષમતા પર પણ તાલીમ અપાશે. કવાયતના અંતિમ તબક્કામાં આતંકવાદ વિરોધી કાર્યવાહીનું અનુકરણ કરતી સંયુક્ત કસોટી યોજાશે, જેમાં જમીની કામગીરી, સંકલિત દેખરેખ અને માનવરહિત પ્રણાલીઓનો ઉપયોગ સામેલ રહેશે.
અભ્યાસ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના પ્રકરણ VII હેઠળની બિનપરંપરાગત કામગીરીની તૈયારી સાથે જોડાયેલો છે. બંને સેનાઓને વ્યૂહરચના અને કામગીરીની પદ્ધતિઓના અનુભવની આપ-લે કરવાની તક પણ મળશે.
