ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર ઇલા આરબ મહેતાનું 88 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર 7 ઓક્ટોબરે બપોરે મુંબઈના સાંતાક્રુઝ ખાતે કરવામાં આવ્યા. પ્રખ્યાત સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી અને લેખિકા વર્ષા અડાલજાનાં મોટાં બહેન ઇલા મહેતાએ ગુજરાતી સાહિત્યમાં નવલકથા અને વાર્તાસંગ્રહો દ્વારા નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
ઇલા મહેતાનો જન્મ 16 જૂન, 1938ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પરિવારનું મૂળ જામનગરનું હતું. તેમણે મુંબઈની રૂઇયા કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વર્ષો સુધી અધ્યાપન કર્યું. શરૂઆતના સમયમાં તેમના લેખો ‘અખંડાનંદ’, ‘નવનીત’ અને ‘સ્ત્રી’ સામયિકોમાં પ્રકાશિત થતા હતા.
સ્ત્રીજીવન અને સામાજિક વિષમતાઓનું આલેખન
તેમની કૃતિઓમાં સ્ત્રી પાત્રોના અન્યાય, સંઘર્ષ અને સંવેદનાઓને વિશેષ સ્થાન મળ્યું હતું. ‘પાંચ પગલાં પૃથ્વી પર’, ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘રાધા’, ‘પરપોટાની આંખ’ અને ‘ધ ન્યૂ લાઇફ’ જેવી રચનાઓમાં તેમણે સ્ત્રીજીવનના અનુભવોને કથાના કેન્દ્રમાં રાખ્યા હતા. સામાજિક વિષમતાઓને પણ તેમણે પોતાની નવલકથાઓ અને વાર્તાઓમાં વાચા આપી હતી.
‘થીજેલો આકાર’, ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’, ‘દરિયાનો માણસ’, ‘નાગ પરીક્ષા’, ‘એક હતા દીવાન બહાદુર’, ‘બત્રીસ લક્ષણો’, ‘વારસદાર’, ‘વસંત છલકે’ અને ‘એક સિગારેટ, એક ધૂપસળી’ તેમની જાણીતી કૃતિઓમાં સામેલ છે. તેમની 20થી વધુ નવલકથાઓ અને વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા હતા.
સાહિત્યક્ષેત્રેના પ્રદાન બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો તથા સન્માન મળ્યાં હતાં. તેમના લેખનનો મુખ્ય સૂર સ્ત્રીના અનુભવ અને સમાજની અસમાનતાઓને સાહિત્યમાં સ્થાન આપવાનો રહ્યો.
