મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરી સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે અર્જન્ટ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.

અરજીમાં જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની કામગીરીથી રોકવાની માગ કરવામાં આવી છે. તેમાં ચૂંટણી પંચ એક બહુમતી સભ્યોવાળી સંસ્થા તરીકે નિર્ણય લે છે કે નહીં, તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. અરજીકર્તા તરફથી દલીલ કરવામાં આવી છે કે ચૂંટણી પંચના નિર્ણયો સર્વસંમતિથી અથવા બહુમતીના આધારે લેવાવા જોઈએ.

ચૂંટણી પંચના નિર્ણયોને લઈને વાંધા

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓક્ટોબર 2025થી ઓગસ્ટ 2026 દરમિયાન ચૂંટણી કમિશનર્સ સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ ચૂંટણી પંચના નામે લેવાયેલા ઓછામાં ઓછા 14 નિર્ણયો અંગે વાંધા નોંધાવ્યા હતા. આ નિર્ણયો તેમની મંજૂરી વિના લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ચૂંટણી પંચે અગાઉ તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું જણાવ્યું હતું.

અરજીમાં મતદાર યાદીની દેશવ્યાપી Special Intensive Revision એટલે કે SIR પ્રક્રિયાને પણ પડકારવામાં આવી છે. અરજીકર્તાએ SIR હેઠળ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા, પુનઃસ્થાપિત કરવા અથવા ફેરફાર કરવાની પ્રક્રિયાને કાનૂની અસર ન આપવાની માગ કરી છે.

સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણીમાં ચૂંટણી પંચની સામૂહિક નિર્ણય પ્રક્રિયા, SIR અંગેના આક્ષેપો અને મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરી સામે કરવામાં આવેલી માગ પર પ્રાથમિક દલીલો સાંભળવામાં આવશે.