તિરુવનંતપુરમ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ૨૦૦૬ના માર્ગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિના કેસમાં કેરળ સરકારે ફરી વિજિલન્સ તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ વિજિલન્સ અને એન્ટી કરપ્શન બ્યુરોને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ કેસ તે સમયનો છે જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળ સરકારના લોક નિર્માણ વિભાગના સચિવ હતા. આરોપો કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ એમસી રોડના અપગ્રેડેશન માટે અપાયેલા કોન્ટ્રાક્ટ અને સંબંધિત ચુકવણી પ્રક્રિયા સાથે જોડાયેલા છે. આ કામ PATI-BEL નામના ભારત-મલેશિયા સંયુક્ત સાહસને મળ્યું હતું.

મલેશિયન એન્જિનિયરના કેસ સાથે કડી

આ તપાસનો સંબંધ પ્રોજેક્ટના મુખ્ય મેનેજર અને મલેશિયન નાગરિક લી સી બીનના ૨૦૦૬માં કુઆલાલમ્પુરમાં જીવન ટૂંકાવવાની ઘટના સાથે પણ છે. મીડિયા અહેવાલો અને તે સમયની નોંધો અનુસાર, લી સી બીનની એક કથિત ચિઠ્ઠીમાં જ્ઞાનેશ કુમાર તથા કેરળના લોક નિર્માણ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓનાં નામનો ઉલ્લેખ હતો.

ચિઠ્ઠીમાં સરકારી અધિકારીઓ દ્વારા બિલોની ચુકવણીમાં વિલંબ અને લાંચની માગણીના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનો દાવો છે. જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે. જ્ઞાનેશ કુમાર સામેના આરોપો હાલમાં તપાસ હેઠળ છે અને તેમને દોષિત ઠેરવતો કોઈ અંતિમ નિષ્કર્ષ સામે આવ્યો નથી.

જૂની તપાસ કેમ ફરી ખોલાઈ?

કેરળ સરકારના જણાવ્યા અનુસાર, આ મામલે ૨૦૦૬માં પ્રાથમિક વિજિલન્સ તપાસ શરૂ થઈ હતી. તે તપાસ કોઈ અંતિમ તારણ સુધી પહોંચી ન હોવાનો અને બહારના દબાણને કારણે અટકી ગયાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા મલયિન્કીઝુ વેણુગોપાલની ફરિયાદ બાદ સરકારે જૂના દસ્તાવેજો અને કોન્ટ્રાક્ટ સંબંધિત ફાઇલોની ફરી તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

આ કેસ સામે આવ્યા બાદ ૨૦૦૬ના અંતમાં જ્ઞાનેશ કુમારને લોક નિર્માણ વિભાગના સચિવપદેથી હટાવીને અન્યત્ર મોકલવામાં આવ્યા હતા. હાલની તપાસમાં માર્ગ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ, ચુકવણી પ્રક્રિયા, અધિકારીઓની ભૂમિકા અને અગાઉની તપાસ અધૂરી કેમ રહી તે મુદ્દાઓની ચકાસણી થવાની શક્યતા છે. તપાસના અંતે જ આરોપો અંગે કાયદેસર સ્થિતિ સ્પષ્ટ થશે.