મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં શીતલા માતા મંદિર પાસે નોરાત્રીની અષ્ટમી દરમિયાન થયેલા માર્ગ અકસ્માતમાં 12 શ્રદ્ધાળુનાં મોત થયાં અને 28 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે ધાન ભરેલો ટ્રક બેકાબૂ બન્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, છિનોર તરફથી મંદિર આવતી સડક પર ઢાળ છે અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. ટ્રકને ત્યાં રોકવામાં આવ્યો હતો, પરંતુ તે પોલીસ બેરિકેડ તોડીને ઢાળ પરથી નીચે આવ્યો અને મંદિરના બહારના દરવાજા તથા દીવાલ સાથે અથડાયો. રસ્તા પર હાજર શ્રદ્ધાળુઓ તેની અડફેટે આવ્યા.

અકસ્મતાની જાણ થતાં પોલીસ, વહીવટીતંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યાં. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે, ઘાયલોની સંખ્યા અંગેના અહેવાલોમાં તફાવત છે; તેથી ચોક્કસ આંકડો સ્પષ્ટ થવાનો બાકી છે.

જિલ્લા વહીવટીતંત્રે અકસ્માતની તપાસ શરૂ કરી છે. નોરાત્રી દરમિયાન રસ્તા પર બેરિયર અને પોલીસ ચેકપોસ્ટ હોવા છતાં ટ્રક ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો તેની તપાસ થશે. ટ્રકમાં કોઈ યાંત્રિક ખામી હતી કે નહીં તે જાણવા RTOની ટીમને વાહનની તપાસ સોંપવામાં આવી છે. ઘાયલોની સ્થિતિ અને અકસ્માતનાં કારણો અંગેની તપાસની વિગતો આવવાની બાકી છે.