ભારત અને ઇન્ડોનેશિયાની વિશેષ દળોની સંયુક્ત સૈન્ય કવાયત ‘ગરુડ શક્તિ’ની 11મી આવૃત્તિ 27 ઑક્ટોબરથી ઇન્ડોનેશિયાના બન્યુવાંગીમાં શરૂ થઈ છે. આ તાલીમ 6 નવેમ્બર સુધી ચાલશે. ભારતીય ટુકડીમાં પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સિસ)ના જવાનો છે, જ્યારે ઇન્ડોનેશિયા તરફથી ત્યાંના વિશેષ દળોના કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે.
કવાયતનો હેતુ બંને દેશોનાં વિશેષ દળો વચ્ચે પરસ્પર સમજણ અને સહયોગ વધારવા સાથે સંયુક્ત કામગીરીની ક્ષમતા સુધારવાનો છે. તાલીમમાં જંગલના વાતાવરણમાં વિશેષ કામગીરી માટેની વ્યૂહરચના, તકનીકો અને પ્રક્રિયાઓ પર ધ્યાન અપાઈ રહ્યું છે.
તાલીમમાં કઈ બાબતોનો સમાવેશ
અભ્યાસક્રમમાં અવરોધો પાર કરવાની તાલીમ, લડાયક નિશાનબાજી, પર્વતારોહણ અને હવાઈ હુમલાની તાલીમ સામેલ છે. જવાનો માટે શારીરિક ક્ષમતા અને કામગીરીની તૈયારી વધારવા લડાયક પરિસ્થિતિને અનુરૂપ તાલીમ સત્રો પણ યોજાઈ રહ્યાં છે. બંને દેશોના દળો શસ્ત્રો, સાધનસામગ્રી અને કામગીરીની પદ્ધતિઓ અંગે અનુભવ તથા માહિતીનું આદાનપ્રદાન પણ કરશે.
અંતિમ તબક્કે કસોટી
સંયુક્ત તાલીમના અંતે વાસ્તવિક કામગીરી જેવી પરિસ્થિતિનું અનુકરણ કરતી ‘વેલિડેશન એક્સરસાઇઝ’ યોજાશે. તેમાં બંને ટુકડીઓની સહનશક્તિ, સંકલન અને લડાયક તૈયારીનું મૂલ્યાંકન કરાશે. કવાયતના આયોજિત સમયગાળામાં જવાનો વિવિધ તાલીમ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે અને અંતિમ અભ્યાસમાં શીખેલી પદ્ધતિઓનો ઉપયોગ કરશે. આ કવાયત બંને દેશોના વિશેષ દળોને સંયુક્ત રીતે કામગીરી કરવાની પ્રેક્ટિસ અને એકબીજાની પ્રક્રિયાઓથી પરિચિત થવાની તક આપે છે.
