લખનઉમાં ગાંધી જયંતીના અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યો. તેમણે મહાત્મા ગાંધીના સ્વદેશી, સ્વાવલંબન અને આત્મનિર્ભરતાના સંદેશને જીવનમાં ઉતારવાની અપીલ કરી. યોગીએ કહ્યું કે ચરખો માત્ર કાપડ કાતવાનું સાધન નથી, પરંતુ ભારતના સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે.
આ પહેલાં મુખ્યમંત્રીએ હઝરતગંજ સ્થિત GPO પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
બાળકોએ ભજનો રજૂ કર્યા
ગાંધી જયંતીના કાર્યક્રમમાં બાળકોએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ભજનો ગાઈને સંભળાવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેસીને બાળકોની રજૂઆત સાંભળી હતી.
યોગીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં વિખરાયેલી સ્વતંત્રતા ચળવળ જનઆંદોલનમાં પરિવર્તિત થઈ હતી. સ્વદેશી અને આત્મનિર્ભરતાની ભાવનાએ દેશવાસીઓને એકસાથે જોડ્યા હતા. તેમણે દરેક નાગરિકને સ્વદેશી, સ્વચ્છતા અને સ્વાવલંબનને પોતાના જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરી.
ખાદીના વસ્ત્રો પર 25 ટકાની છૂટ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે ગાંધી જયંતીના અવસરે ખાદીના વસ્ત્રો પર 30 જાન્યુઆરી 2027 સુધી 25 ટકાની છૂટ આપી છે. તેમણે લોકોને ખાદી અપનાવવા તેમજ કારીગરો, હસ્તશિલ્પીઓ અને વણકરોની કળાને સન્માન આપવા કહ્યું.
યોગીએ ‘લોકલ ટુ ગ્લોબલ’ની ભાવનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સ્થાનિક કારીગરોને મોટા મંચ સાથે જોડવાથી તેમની કળાને વ્યાપક ઓળખ મળી શકે છે. તેમણે ગાંધીજીના આત્મનિર્ભરતા અને સ્વાવલંબનના સંદેશને વિકસિત ભારતના પાયા સાથે જોડ્યો.
શાસ્ત્રીજીના ‘જય જવાન, જય કિસાન’નો ઉલ્લેખ
લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતાં યોગીએ તેમની સાદગી, દૃઢતા અને સંઘર્ષશીલ વ્યક્તિત્વનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે શાસ્ત્રીજીનું ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર સ્વતંત્ર ભારતનો મંત્ર બની ગયું. યોગીના જણાવ્યા મુજબ, આજે ભારત અનાજના મામલે આત્મનિર્ભર છે અને પોતાની જરૂરિયાતો પૂરી કર્યા બાદ અન્ય દેશોને પણ અનાજ પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે.
મુખ્યમંત્રીએ સ્વચ્છતા અંગે ગાંધીજીના સંદેશનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આ સંદેશને આગળ વધારવામાં આવ્યો છે અને સ્વચ્છ તથા સ્વસ્થ ભારતના નિર્માણ માટે લોકોની ભાગીદારી જરૂરી છે.
