જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવાર, 10 નવેમ્બરની સાંજે સોનમર્ગથી શ્રીનગર જઈ રહેલી પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલર સુંબલ બાલા નજીક ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત 18 લોકોને ઈજા થઈ હતી. ઘાયલોમાં ગુજરાતના અમદાવાદ અને સુરતના પ્રવાસીઓ પણ સામેલ છે.

અકસ્મત બાદ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને પહેલાં ગુંડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં લઈ જવાયા, જ્યાં પ્રાથમિક સારવાર અને તબીબી તપાસ કરવામાં આવી. ત્યારબાદ ગંભીર ઈજાગ્રસ્ત 8 પ્રવાસીઓને વધુ સારવાર માટે શ્રીનગરની SKIMS સૂરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તો PHC ગુંડમાં તબીબી દેખરેખ હેઠળ રહ્યા હતા.

ગુજરાતના પ્રવાસીઓ પણ ઘાયલ

હોસ્પિટલમાં ખસેડાયેલા લોકોમાં અમદાવાદનાં શારદા રાણી (58), રમેશજી (52), શોભના પટેલ (50) અને રાજેશ કુમારનો સમાવેશ થાય છે. સુરતના જયેશ (42) પણ ઘાયલ થયા હતા. તેમની સાથે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનાં સ્વપ્નાદ્યુતિ ઘોષ (24), માલા ઘોષ (48) અને સુરજિત ઘોષ (61)ને પણ SKIMSમાં સારવાર માટે લઈ જવાયા હતા.

અકસ્મતમાં ઘાયલ થયેલા પ્રવાસીઓ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને પંજાબના હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વાહન સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહ્યું હતું ત્યારે ગાંદરબલ જિલ્લાના કંગન વિસ્તારમાં અકસ્માત થયો હતો. વાહન રસ્તા પરથી કેવી રીતે ખાબક્યું તે અંગેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ અકસ્માત અંગે અધિકારીઓ, SKIMSના નિયામક અને ગાંદરબલના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી હતી. તેમણે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર મળે તેની ખાતરી કરવા સૂચના આપી હતી.