ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ખોલો, મનગમતી વાનગી પસંદ કરો, કાર્ટમાં વસ્તુઓ ઉમેરો અને ડિલિવરી ટ્રેકર પર નજર રાખો. બધું વાસ્તવિક લાગે છે, પરંતુ આ અનુભવમાં ભોજન ક્યારેય પહોંચતું નથી. FoodNeverComes નામની સાઇટનો હેતુ ખરીદી કર્યા વિના ઑનલાઇન ઓર્ડર કરવાની પ્રક્રિયાનો આનંદ આપવાનો છે.

સાઇટ પર વપરાશકર્તા 22 પ્રકારની વાનગીઓમાંથી પસંદગી કરી શકે છે. તેમાં 22 કિચન, 327 વાનગીઓ અને 319 રેસિપીનો સમાવેશ થાય છે. બનાવટી કિંમતો, નકલી ચેકઆઉટ અને કાલ્પનિક ડિલિવરી ટ્રેકર દ્વારા ખરીદી જેવી લાગણી ઊભી કરવામાં આવે છે. કેટલીક સ્થિતિમાં સાઇટ તરફથી AI દ્વારા બનાવવામાં આવેલો ફોન પણ આવે છે, જેમાં ડિલિવરી કરનાર વ્યક્તિ રસ્તો કે દરવાજો શોધી ન શકતી હોવાની વાત કરવામાં આવે છે.

આ સાઇટ ઉદયપુરના 26 વર્ષના બે સોફ્ટવેર ડેવલપર પૂર્વાંશ પરમાર અને અંશુલ શર્માએ બનાવી છે. બંનેની મુલાકાત કમ્પ્યુટર સાયન્સના ડિપ્લોમા કોર્સ દરમિયાન થઈ હતી. જૂનમાં લૉન્ચ થયા બાદ FoodNeverComes પર 27 લાખથી વધુ લોકો આવી ચૂક્યા હોવાનો સ્થાપકોનો દાવો છે.

ખરીદી કરતાં પ્રક્રિયાનો આનંદ

પરમાર અને શર્માએ પોતાના ઑનલાઇન શૉપિંગ વર્તન પરથી આ વિચાર વિકસાવ્યો હતો. તેઓ ઘણી વાર વસ્તુઓ કાર્ટમાં ઉમેરતા, પરંતુ ખરીદી કર્યા વિના સાઇટ બંધ કરી દેતા. પરમારના જણાવ્યા અનુસાર, મુંબઈમાં પ્રોજેક્ટ દરમિયાન તેઓ અઠવાડિયામાં 5,000થી 10,000 રૂપિયા ખાવા પાછળ ખર્ચતા હતા અને કેટલીક વાર ખરેખર જરૂર ન હોય તેવી વસ્તુઓ પણ મંગાવતા હતા.

તેમના મતે, કેટલીક પરિસ્થિતિમાં તલપ માત્ર ખાવાની નહીં, પરંતુ ખાવાનું ઑર્ડર કરવાની પ્રક્રિયાની પણ હોઈ શકે છે. કંટાળો, ચિંતા અથવા ટેવને કારણે ભૂખ ન લાગી હોય ત્યારે પણ ઑનલાઇન ઓર્ડર કરવાની ઇચ્છા થઈ શકે છે.

યેલ સેન્ટર ફૉર કસ્ટમર ઇનસાઇટ્સના ડિરેક્ટર રવિ ધર આ અનુભવને ‘ઍન્ટિસિપેટરી યુટીલીટી’ સાથે જોડે છે. એટલે કે, કોઈ વસ્તુ મેળવવાની રાહ જોવામાં મળતો આનંદ. તેમના જણાવ્યા અનુસાર, કેટલીક વાર વસ્તુ મેળવી લીધા પછી કરતાં તેને મેળવવાની અપેક્ષામાં વધુ રોમાંચ હોય છે.

‘વૉન્ટિંગ’ અને ‘લાઇકિંગ’નો તફાવત

યુનિવર્સિટી ઑફ મિશિગનના ન્યૂરોસાયન્ટિસ્ટ કૅન્ટ બેરિજે ‘વૉન્ટિંગ’ અને ‘લાઇકિંગ’ વચ્ચે તફાવત દર્શાવ્યો છે. ‘વૉન્ટિંગ’ એટલે કોઈ વસ્તુ મેળવવાની તીવ્ર ઇચ્છા, જ્યારે ‘લાઇકિંગ’ એટલે વસ્તુ મળ્યા પછીનો આનંદ. બંને હંમેશાં એકસાથે હોય એવું જરૂરી નથી.

સ્ટેનફર્ડ યુનિવર્સિટીની મનોચિકિત્સક ડૉ. ઍના લેમ્બકેના જણાવ્યા અનુસાર, ડોપામાઇનને માત્ર આનંદ સાથે જોડવું વધુ પડતું સરળીકરણ છે. તે વધુ મેળવવા અથવા વધુ કરવા પ્રેરિત કરતી પ્રક્રિયાઓ સાથે પણ સંકળાયેલું હોઈ શકે છે.

કાલ્પનિક ઓર્ડર કરવાથી આ ઇચ્છા થોડા સમય માટે સંતોષાય કે નહીં, તે અંગે નિષ્ણાતોમાં એકમત નથી. બેરિજના મતે વારંવાર આ અનુભવ કંટાળાજનક બની શકે છે. ધરનું માનવું છે કે આવી સાઇટ્સ કેટલાક લોકો માટે ખરીદીની ઇચ્છા ઘટાડવામાં ‘સેફ્ટી વાલ્વ’ બની શકે છે, પરંતુ તેના માટે વધુ સંશોધનની જરૂર છે.

આદત ઓછી થશે કે વધુ મજબૂત બનશે?

લેમ્બકે ચેતવણી આપે છે કે આવી સાઇટ્સ જે ટેવ ઘટાડવા માગે છે, તે જ ટેવને કેટલાક લોકોમાં વધુ મજબૂત પણ કરી શકે છે. જોકે, આવી સાઇટનો ઉપયોગ કરનાર વ્યક્તિને પોતાની સમસ્યાની જાણ થઈ હોવી સુધારાની દિશામાં પહેલું પગલું બની શકે છે.

FoodNeverComesના સ્થાપકોએ આ વિચારને પ્રવાસ સુધી વિસ્તારીને TripNeverLeaves નામની સાઇટ પણ બનાવી છે. તેમાં પ્રવાસ, ફ્લાઇટ, સીટ, હોટલ અને પ્રવૃત્તિ પસંદ કરી શકાય છે, પરંતુ વર્ચ્યુઅલ ફ્લાઇટ ક્યારેય રન-વે પરથી ઊડતી નથી. આ સાઇટની મુલાકાત એક લાખથી વધુ લોકો લઈ ચૂક્યા હોવાનો સ્થાપકોનો દાવો છે.

સ્થાપકોના જણાવ્યા અનુસાર, બંને સાઇટનો હેતુ પૈસા કમાવવાનો નથી. તેઓ તેને મફત રાખવા અને ભવિષ્યમાં ડેટા ન્યૂરોસાયન્ટિસ્ટો તથા મનોવિજ્ઞાનીઓ સાથે વહેંચવાની યોજના ધરાવે છે. આ વિચાર એક સવાલ ઊભો કરે છે: ખરીદી પહેલાં મળતો રોમાંચ જ જો પૂરતો લાગે, તો ખરેખર વસ્તુની જરૂરિયાત કેટલી છે?