નવી દિલ્હી, 6 ઓક્ટોબર 2026: Special Intensive Revision (SIR) પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ વચ્ચે INDIA ગઠબંધનના નેતાઓએ મંગળવારે દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરી હતી. વિપક્ષી સાંસદો ચૂંટણી કમિશનરને મળીને આવેદનપત્ર આપવા માંગતા હતા. જોકે, ચૂંટણી પંચે જણાવ્યું કે સાંજે 4 વાગ્યા સુધી કોઈ રાજકીય પક્ષ અથવા પ્રતિનિધિમંડળ તરફથી મુલાકાત માટે સત્તાવાર વિનંતી મળી નહોતી.
ચૂંટણી પંચે જાહેર કરેલી પ્રેસ નોટમાં જણાવ્યું કે વિરોધ કૂચ અને મીડિયા અહેવાલો મારફતે પંચને જાણ થઈ હતી કે કેટલાક સાંસદો મુલાકાત કરવા માંગે છે. ત્યારબાદ સાંજે આશરે 4 વાગ્યે દિલ્હી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં સાંસદોનું એક જૂથ ચૂંટણી પંચને મળીને આવેદનપત્ર આપવા માંગે છે.
મુલાકાત માટેની પ્રક્રિયા અંગે પંચની સ્પષ્ટતા
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજકીય પક્ષો સાથેની બેઠકો માટે વર્ષ 2025માં એક નિશ્ચિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંગે તમામ પક્ષોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. નિયમ મુજબ, કોઈ પક્ષ અથવા સંયુક્ત પ્રતિનિધિમંડળ પંચને મળવા ઇચ્છે ત્યારે તેના અધિકૃત પ્રતિનિધિએ અગાઉથી સમય માંગવો પડે છે અને મુલાકાતનો હેતુ પણ જણાવવો પડે છે.
પંચે કહ્યું કે સાંજે 4 વાગ્યા પછી સાંસદો સાથેની સંભવિત બેઠક અંગે વિચારણા ચાલી રહી હતી. તે દરમિયાન દિલ્હી પોલીસના DCP મારફતે જાણ થઈ કે બેઠકમાં આશરે 240 સાંસદો હાજર રહેવાના છે અને સ્થળ તરીકે સંસદ ભવનનું એનેક્સી ભવન નક્કી કરવામાં આવ્યું છે.
સંસદ ભવનમાં બેઠકના પ્રસ્તાવને અસામાન્ય ગણાવ્યો
ચૂંટણી પંચે આ વ્યવસ્થાને અસામાન્ય ગણાવી હતી. પંચના જણાવ્યા પ્રમાણે, સંસદ ભવનમાં આવી સત્તાવાર બેઠક યોજવાનો પ્રસ્તાવ સંસદ ભવન તરફથી આવવો જોઈએ. સામાન્ય રીતે રાજકીય પક્ષો અથવા પ્રતિનિધિમંડળો સાથેની બેઠકો ચૂંટણી પંચની પોતાની કચેરીમાં યોજાય છે.
પંચે વિપક્ષી સાંસદોનું આવેદનપત્ર સ્વીકારવા માટે પોતાના સૌથી વરિષ્ઠ અધિકારીને સ્થળ પર મોકલવાનો વિકલ્પ પણ આપ્યો હતો. જોકે, વિરોધ કરી રહેલા સાંસદોએ આ દરખાસ્ત સ્વીકારી નહોતી.
ચૂંટણી પંચે અંતમાં જણાવ્યું કે તે સંસદીય વ્યવસ્થા, લોકશાહી પ્રક્રિયા અને પોતાના પ્રોટોકોલનું સન્માન કરે છે. કોઈપણ રાજકીય પક્ષ નિયત નિયમો અનુસાર મુલાકાત માટે સમય માંગી શકે છે અને પંચ પોતાના કાર્યક્રમ મુજબ સમય ફાળવવા તૈયાર છે. આ દરમિયાન વિપક્ષી નેતાઓ SIR પ્રક્રિયા અંગેના વાંધા અને ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમાર સામેની પોતાની રાજકીય માગણીઓ સાથે વિરોધ ચાલુ રાખી રહ્યા છે.
