સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણીપંચે જણાવ્યું છે કે આ પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ આદેશ અને શિડ્યૂલ ત્રણેય ચૂંટણી કમિશનરોની સંમતિથી જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધુ તથા વિવેક જોશીની બેઠક બાદ પંચે આ સ્પષ્ટતા કરી હતી.

પંચે કહ્યું કે બે ચૂંટણી કમિશનરોએ કૅબિનેટ સચિવને મોકલેલા પત્રો કોઈ ચૂંટણીલક્ષી નીતિ કે એસઆઇઆરના નિર્ણય સાથે સંબંધિત નહોતા. તે એક અધિકારીના કામકાજને લગતો વહીવટી મુદ્દો હતો.

પ્રક્રિયામાં જાહેર કરાયેલા ફેરફારો

નોટિસ મેળવનારા મતદારોના દસ્તાવેજો લેવા માટે બૂથ લેવલ ઑફિસર (BLO) તેમના ઘરે જશે. સામાન્ય રીતે મતદારે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર અથવા આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવાની જરૂર નહીં પડે. જરૂરી જણાય તો સુનાવણી ઑનલાઇન પણ થઈ શકે છે.

ચૂંટણીપંચે ECIINET પોર્ટલની સ્વતંત્ર સમીક્ષા માટે નિષ્ણાતોની સમિતિ બનાવવાની અને બેઠકોનો એજન્ડા અગાઉથી શેર કરવાની વ્યવસ્થા પર ભાર મૂક્યો છે. બેઠકોની મિનિટ્સ જાહેર કરવાની બાબત પણ ચર્ચામાં આવી છે.

ફૉર્મ-6 અને યુવા મતદારો અંગે વિપક્ષના સવાલો

ફૉર્મ-6નો ઉપયોગ મતદારયાદીમાં નવું નામ ઉમેરવા માટે થાય છે. કૉંગ્રેસનો આરોપ છે કે એસઆઇઆર દરમિયાન આ ફૉર્મમાં એવો સવાલ ઉમેરાયો હતો, જેમાં અરજદારે પોતાના અથવા માતા-પિતા તથા દાદા-દાદીના જૂના એસઆઇઆર રેકોર્ડ સાથેનો સંબંધ દર્શાવવો પડતો હતો.

પંચે જણાવ્યું કે એસઆઇઆર સાથે જોડાયેલું ફૉર્મ-6 ડિક્લેરેશન સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યું છે. જોકે કૉંગ્રેસે પૂછ્યું છે કે ફૉર્મમાં કરાયેલા કથિત ફેરફારો, યુવા મતદારો અને ECIINET અંગેના તેના સવાલોના સ્પષ્ટ જવાબ કેમ આપવામાં આવ્યા નથી.

પંચે દિલ્હીમાં 29-30 સપ્ટેમ્બરે યુવા મતદારો માટે વિશેષ કૅમ્પ યોજવાનો નિર્દેશ આપ્યો છે. કૉંગ્રેસે આ પગલાને વિવાદ બાદની પ્રતિક્રિયા ગણાવી છે અને એસઆઇઆર રોકવા સાથે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ ફરી ઉઠાવી છે.

રાજકીય પક્ષોની પ્રતિક્રિયા

ભાજપે ચૂંટણીપંચની સ્પષ્ટતાનું સ્વાગત કર્યું છે. પક્ષના નેતાઓએ કહ્યું કે પંચના નિવેદનથી કમિશનરો વચ્ચે મતભેદ હોવાના આરોપો ખોટા સાબિત થયા છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ પણ સ્પષ્ટીકરણને આવકાર્યું છે.

બીજી તરફ કૉંગ્રેસે કહ્યું છે કે નિવેદનથી તેના મૂળ સવાલોનું સમાધાન થતું નથી. 30 સપ્ટેમ્બરે ઇન્ડિયા બ્લૉકના પક્ષો એસઆઇઆર, ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર અંગેની આગામી વ્યૂહરચના પર ચર્ચા કરી શકે છે.