ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ દેશવ્યાપી સોનાની દાણચોરીના એક કથિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એજન્સીએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટીમાં સંયુક્ત કાર્યવાહી કરીને ₹10.36 કરોડની કિંમતનું 6.61 કિલો વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કુરિયર કન્સાઇનમેન્ટમાં સોનું છુપાવીને વિવિધ શહેરોમાં મોકલતા હતા. DRIના જણાવ્યા અનુસાર, છેલ્લા નવ મહિનામાં આ નેટવર્કે આશરે ₹475 કરોડની કિંમતનું 318 કિલો સોનું ખસેડ્યું હોવાની શંકા છે.

આ માટે કાગળ પર ઊભી કરાયેલી બોગસ પેઢીઓ અને વ્યક્તિઓના નામનો ઉપયોગ થતો હતો. ગુવાહાટી અને કોલકાતાથી નાના કુરિયર કન્સાઇનમેન્ટ મારફતે સોનું મુંબઈ, દિલ્હી અને અમદાવાદ સુધી મોકલાતું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

DRIએ આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકો અને દાણચોરીના સમગ્ર માર્ગ અંગે તપાસ વધુ તેજ કરી છે.