દિલ્હી યુનિવર્સિટીએ સ્કૂલ ઑફ ઓપન લર્નિંગ (SOL)ના એક શિક્ષકની 9 મહિનાની પુત્રીની સારવાર માટે ₹17 કરોડ સુધીની આર્થિક સહાય મંજૂર કરી છે. બાળકી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ટાઇપ-II નામની દુર્લભ આનુવંશિક બીમારીથી પીડાય છે. યુનિવર્સિટીના અહેવાલ મુજબ, સારવારનો પ્રારંભિક અંદાજ હોસ્પિટલ સાથેની ચર્ચા બાદ આશરે ₹13 કરોડ થયો છે.
ક્રાઉડફંડિંગથી ₹3.1 કરોડ એકત્ર
બાળકીની સારવાર માટે ક્રાઉડફંડિંગ અને સરકારી સહાય દ્વારા ₹3.1 કરોડ એકત્ર થયા છે. આ ભંડોળમાં Tata Trusts, મુખ્યમંત્રી રાહત ભંડોળ, ImpactGuru, Milaap, Ketto, GoFundMe, Teachers’ Relief Fund અને SOLના બિનશૈક્ષણિક કર્મચારી સંગઠનનું યોગદાન સામેલ છે.
ભેગી થયેલી રકમ સારવારના અંદાજ કરતાં ઓછી હોવાથી યુનિવર્સિટીના કુલપતિએ ભંડોળના વિકલ્પો તપાસવા વિશેષ સમિતિ રચી હતી. સમિતિએ સહાયની ભલામણ કરી અને યુનિવર્સિટીએ ₹17 કરોડ સુધીની સહાય મંજૂર કરી. જોકે, હાલના અંદાજ અને પહેલેથી એકત્ર થયેલી રકમને ધ્યાનમાં લેતાં યુનિવર્સિટી તરફથી આશરે ₹10.5 કરોડ ચૂકવાય તેવી અપેક્ષા છે.
હોસ્પિટલનાં બિલના આધારે ચૂકવણી
SOLના ડિરેક્ટર પ્રોફેસર પાયલ માગોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના નિયમો હેઠળ પેનલની હોસ્પિટલ અથવા AIIMS દ્વારા ભલામણ કરાયેલી દવાની સારવારનો ખર્ચ ચૂકવી શકાય છે. યુનિવર્સિટી હોસ્પિટલનાં બિલ રજૂ થયા બાદ ખર્ચની ભરપાઈ કરશે. ક્રાઉડફંડિંગ દ્વારા આગળ વધુ રકમ મળે તો તેનો ઉપયોગ પણ બાળકીની સારવાર માટે થશે.
