દિવાળી પછી 9 નવેમ્બર, 2026ની સવારે દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સવારે 6 વાગ્યાના આંકડા પ્રમાણે દિલ્હીની સરેરાશ AQI 366 હતી. રાજધાનીનાં 15 હવા-નિરીક્ષણ મથકો પર AQI 400થી વધુ નોંધાયો. સૌથી વધુ 449 AQI સોનિયા વિહારમાં નોંધાયો હતો. CPCBના માપદંડ મુજબ 401થી 500 વચ્ચેનો AQI ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે.
દિલ્હીનાં અનેક વિસ્તારોમાં AQI 400ને પાર
સોનિયા વિહાર પછી બુરાડી ક્રોસિંગમાં AQI 445, વિવેક વિહારમાં 441, જહાંગીરપુરીમાં 439 અને નોર્થ કેમ્પસમાં 437 નોંધાયો હતો. રોહિણીમાં આંકડો 435, DTUમાં 431 અને બવાનાામાં 424 રહ્યો. ચાંદની ચોક તથા પટપડગંજમાં 418, મુંડકામાં 413, NIH નરેલામાં અને પંજાબી બાગમાં 408, જ્યારે ITO અને કોમનવેલ્થ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 404 નોંધાયો હતો.
સવારે 5 વાગ્યાના આંકડામાં ચાંદની ચોકનો AQI 419, ITOનો 405 અને પંજાબી બાગનો 408 હતો. દિલ્હીના બીજા કેટલાક વિસ્તારોમાં પણ હવા ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં રહી: આનંદ વિહારમાં 339, દ્વારકા સેક્ટર-8માં 368, લોધી રોડમાં 371, ઓખલા ફેઝ-2માં 350, આર.કે. પુરમમાં 370, JNUમાં 352 અને નજફગઢમાં 346 નોંધાયા હતા.
નોઇડા-ગાઝિયાબાદમાં પણ પ્રદૂષણ
દિલ્હીને અડીને આવેલા નોઇડાના સેક્ટર-62માં સવારે 5 વાગ્યે AQI 404 નોંધાયો. સેક્ટર-1માં 324, સેક્ટર-39માં 314 અને ગ્રેટર નોઇડાના નોલેજ પાર્ક-Vમાં 335 હતો. ગાઝિયાબાદના વસુંધરામાં AQI 395, વેવ સિટીમાં 390, લોનીમાં 377 અને ઇન્દિરાપુરમમાં 333 નોંધાયો. ગ્રેટર નોઇડાના નોલેજ પાર્ક-IIIમાં તે 296 રહ્યો.
પ્રદૂષણની સાથે ધુમ્મસે પણ સવારની દૃશ્યતા ઓછી કરી હતી. ભારત હવામાન વિભાગે 9 નવેમ્બરે દિલ્હીમાં સવારના સમયે મોટાભાગનાં સ્થળોએ મધ્યમ ધુમ્મસની આગાહી કરી હતી. વિભાગના અનુમાનમાં લઘુત્તમ તાપમાન 15થી 17 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી રહેવાની શક્યતા દર્શાવાઈ હતી.
