દિલ્હીના કાલકાજી મંદિર નજીક આવેલા આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની સગીરા સાથે બનેલી ગંભીર જાતીય હિંસાની ઘટનામાં FIRની વિગતો સામે આવી છે. FIR મુજબ, ત્રણ આરોપીઓએ પોતાને પોલીસકર્મી હોવાનું જણાવી સગીરા અને તેના મિત્રને રોક્યા હતા. આ ઘટના 21 સપ્ટેમ્બરની સાંજની હોવાનું નોંધાયું છે.

FIR મુજબ, સગીરા તેની મોટી બહેનને જાણ કરીને 17 વર્ષના મિત્ર સાથે કાલકાજી મંદિર ગઈ હતી. બંને સાંજે લગભગ 5:45 વાગ્યે મંદિર પહોંચ્યા હતા અને લગભગ 7 વાગ્યા સુધી ત્યાં રહ્યા હતા. ત્યારબાદ તેઓ ચિપ્સ અને પાણી લઈને આસ્થા કુંજ પાર્કમાં ગયા હતા. બંને ગેટ નંબર 7થી પાર્કમાં પ્રવેશીને એક બેન્ચ પર બેઠા હતા.

FIRમાં શું ઉલ્લેખ છે

FIR મુજબ, ત્રણેય લોકો ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ સગીરાના મિત્રને થપ્પડ મારી હતી અને બંનેના મોબાઇલ ફોન લઈ લીધા હતા. મિત્રને અલગ લઈ જવામાં આવ્યો હતો. સગીરાને એકાંત વિસ્તારમાં લઈ જઈ છરી અને પિસ્તોલ બતાવી ધમકાવવામાં આવી હોવાનો તેના નિવેદનમાં ઉલ્લેખ છે. આરોપીઓએ પરિવારને ફોન કરવાની વાત કરીને પણ તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદના વર્ણન મુજબ, આરોપીઓએ સગીરાને પાર્કની અંધારી જગ્યાએ લઈ જઈ તેની સાથે જાતીય હિંસા કરી હતી. બાદમાં તેને ઘટના વિશે કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી કપડાં અને મોબાઇલ પરત કર્યા હતા. ત્યારબાદ સગીરાએ પોતાના મિત્રને જાણ કરી હતી અને તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

DUની વિદ્યાર્થિનીઓની રેલી

શુક્રવારે દિલ્હી યુનિવર્સિટીની વિવિધ કોલેજોની વિદ્યાર્થિનીઓએ ગાર્ગી કોલેજ અને કમલા નેહરુ કોલેજની બહાર રેલી યોજી હતી. મહિલાઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવાની માંગ વચ્ચે સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

પ્રદર્શનકારીઓએ વિસ્તારમાં પૂરતી લાઇટિંગ, પિંક બૂથ અને પોલીસની હાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સ્થાનિક લોકો આ સમસ્યાઓ અંગે લગભગ ત્રણ વર્ષથી રજૂઆત કરી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.