નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મંગળવારે યોજાયેલી બેઠકમાં પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની માંગ કરી. ખડગેએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચની કામગીરીમાં નિષ્પક્ષતા અને પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસે આ મુદ્દો સંસદથી લઈને રસ્તા સુધી ઉઠાવવાની વાત પણ કરી છે.
ખડગેએ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા અંગે કોંગ્રેસની પાંચ માગણીઓ રજૂ કરી. પ્રથમ, મતદાર યાદીમાં કરવામાં આવેલા દરેક મોટા ફેરફાર સાથે જોડાયેલો સંપૂર્ણ ડેટા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
બીજી માગણી મુજબ, મતદાર યાદીમાંથી નામ દૂર કરવામાં આવેલા લોકોને તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે અને નિર્ણય સામે અપીલ કરવાની તક આપવામાં આવે. ત્રીજી માગણીમાં રાજકીય પક્ષોને મતદાર યાદી તથા સંબંધિત જરૂરી ડેટા સરળ ફોર્મેટમાં અને સમયસર ઉપલબ્ધ કરાવવાની વાત છે.
ગંભીર ગેરરીતિની સ્વતંત્ર તપાસની માંગ
કોંગ્રેસે કહ્યું છે કે જ્યાં ગંભીર ગેરરીતિના પુરાવા મળે ત્યાં સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસ થવી જોઈએ. પાંચમી માગણી ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મહત્વના ડેટા અને નિર્ણયો અંગે વધુ પારદર્શિતા લાવવાની છે, જેથી કોઈ રાજકીય પક્ષ માહિતી છુપાવવાનો આક્ષેપ ન કરી શકે.
ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ નૈતિક ધોરણે માંગ કરી. તેમનો આરોપ હતો કે વડાપ્રધાન દ્વારા CEC પર દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, આ દાવા કોંગ્રેસના રાજકીય આક્ષેપો તરીકે જ રજૂ થયા છે.
ખડગેએ કહ્યું કે આવનારી ચૂંટણીઓ પહેલાં દરેક મતદારનો મત સુરક્ષિત રહે અને ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. કોંગ્રેસે મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો મુદ્દો સંસદમાં તથા જાહેર વિરોધ કાર્યક્રમો દ્વારા આગળ ધપાવવાનો સંકેત આપ્યો છે.
