મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણમાં નકલી સોનાની ચેઇન ગીરવે મૂકી જ્વેલર પાસેથી રૂ.4.44 લાખ લીધાના આરોપસર પોલીસે બે દૈનિક મજૂરોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ કેશાનંદના અભિજિત ગાડલે (22) અને ન્યૂ મુંબઈના સમીર માણે (33) તરીકે થઈ છે.
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પવન બાંડેએ જણાવ્યું કે 17 જુલાઈથી 9 સપ્ટેમ્બર વચ્ચે બંનેએ જ્વેલર પાસે ત્રણ સોનાની ચેઇન ગીરવે મૂકી હતી અને તેના બદલામાં રૂ.4.44 લાખ લીધા હતા. રકમ આપતા પહેલાં જ્વેલરે ચેઇન તપાસી હતી, પરંતુ તે સમયે કોઈ શંકાસ્પદ બાબત મળી નહોતી.
આરોપીઓએ રકમ પરત ન કરી શકે તો ચેઇન ઓગાળી લેવાની વાત પણ કરી હતી. જોકે, જ્વેલરે ચેઇન ઓગાળતાં તે શુદ્ધ સોનાની ન હોવાનું સામે આવ્યું હતું.
બ્રેસલેટ ગીરવે મૂકવાનો પ્રયાસ
શનિવારે બપોરે બંને ફરી જ્વેલરની દુકાને આવ્યા હતા અને સોનાનું બ્રેસલેટ ગીરવે મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલરે પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી કરી બંનેને કસ્ટડીમાં લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, આ બ્રેસલેટ પણ નકલી સોનાનું બનાવેલું હતું.
પોલીસ હવે બંનેએ અન્ય જ્વેલરો સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી છે કે નહીં અને સોના જેવું દેખાતું ધાતુ તેમને ક્યાંથી મળ્યું તેની તપાસ કરી રહી છે.
