વસતી ગણતરી 2027ના બીજા તબક્કાની વસ્તી નોંધણી 25 જાન્યુઆરીથી શરૂ થશે. કેન્દ્ર સરકારના જાહેર કાર્યક્રમ મુજબ આ કામગીરી 28 ફેબ્રુઆરી, 2027 સુધી ચાલવાની છે. આ તબક્કામાં દરેક વ્યક્તિ અને પરિવારની વિગતો નોંધાશે. નોંધણી પછી 1થી 5 માર્ચ દરમિયાન સુધારાની કામગીરી માટેનો સમય પણ નિર્ધારિત કરાયો છે.
ઘરેઘરે જઈને માહિતી એકત્ર કરવાની સાથે નાગરિકોને ઑનલાઇન સ્વ-ગણનાનો વિકલ્પ પણ મળશે. આ માટેની અવધિ 10થી 24 જાન્યુઆરી, 2027 છે. સ્વ-ગણના કર્યા પછી મળતો વિશિષ્ટ ઓળખ નંબર ગણતરીકર્તાને આપવાનો રહેશે, જેથી ઘર મુલાકાત વખતે પ્રક્રિયા પૂરી થઈ શકે. સ્વ-ગણના ન કરાવનાર પરિવારોની વિગતો ગણતરીકર્તાઓ ઘરેઘરે જઈને નોંધશે.
પ્રશ્નાવલીમાં કઈ વિગતો પૂછાશે?
બીજા તબક્કાની પ્રશ્નાવલીમાં કુલ 40 પ્રશ્નો છે. તેમાં પરિવારના વડા સાથેનો સંબંધ, અનુસૂચિત જાતિ કે જનજાતિ, માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન, સાક્ષરતા, શિક્ષણ અને રોજગાર સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે. સ્થળાંતરનું કારણ અને સ્થળાંતર પછી હાલના ગામ કે શહેરમાં રહેઠાણનો સમયગાળો પણ પૂછવામાં આવશે.
પ્રશ્નાવલીમાં મહિલાઓને લગતા કેટલાક પ્રશ્નો તેમની વૈવાહિક સ્થિતિ પ્રમાણે લાગુ પડશે. તેમાં જીવિત બાળકોની સંખ્યા, અત્યાર સુધીમાં જીવિત જન્મેલાં બાળકોની સંખ્યા અને છેલ્લા એક વર્ષમાં જીવિત જન્મેલાં બાળકોની સંખ્યા સામેલ છે. મોબાઇલ નંબર, મતદાર ઓળખપત્ર નંબર અને ભારતીય પાસપોર્ટ નંબર જેવી વિગતો પણ ઉપલબ્ધતા અથવા લાગુ પડતી શરતોને આધારે પૂછવામાં આવશે.
ડિજિટલ પદ્ધતિ અને માહિતીની ગોપનીયતા
આ વખતે ગણતરીમાં ડિજિટલ સાધનોનો ઉપયોગ થશે અને સ્વ-ગણના પણ વેબ આધારિત સુવિધા તરીકે ઉપલબ્ધ રહેશે. સરકારના જણાવ્યા મુજબ, સ્વ-ગણનાની સુવિધા 16 ભાષામાં મળશે. ઘરેઘરે ગણતરીની વ્યવસ્થા યથાવત્ રહેશે; ઑનલાઇન વિકલ્પ તેનો પૂરક છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે વસતી ગણતરી હેઠળ એકત્ર થતી માહિતી કાયદા મુજબ ગોપનીય રહેશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય હેતુઓ તથા વિકાસ આયોજન માટે થશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં બીજા તબક્કાની તૈયારીરૂપે કર્મચારીઓ માટે 25 અને 26 નવેમ્બર, 2026ના રોજ તાલીમ યોજાઈ હતી. તેમાં પ્રશ્નાવલી, ડેટાની ચોકસાઈ અને માહિતી સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું હતું.
