નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચની કામગીરીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સત્તારૂઢ NDAમાં પણ અસંતોષના સંકેતો સામે આવ્યા છે. NDA સાથે જોડાયેલા ત્રણ નેતાઓએ ચૂંટણી પંચ પાસેથી વધુ સ્પષ્ટતા અને પારદર્શિતાની માંગ કરી છે.
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને જણાવ્યું કે ચૂંટણી વ્યવસ્થા અંગે લોકોના મનમાં ગેરસમજ ઊભી થાય તો તે લોકશાહી માટે યોગ્ય નહીં ગણાય. તેમણે ચૂંટણી પંચને લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર કરવા અપીલ કરી.
રાષ્ટ્રીય લોક મોર્ચાના નેતા ઉપેન્દ્ર કુશવાહા અને TDP નેતા લાવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુએ પણ ચૂંટણી પંચની કામગીરી અંગે સ્પષ્ટતા અને વિશ્વાસ જાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે Special Intensive Revision (SIR) હેઠળ મતદાર યાદીઓના પુનરીક્ષણને લઈને વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યો છે.
અહેવાલો અનુસાર, ચૂંટણી પંચના બે કમિશનરોએ મતદાર યાદી, નવા મતદારોની નોંધણી અને નામ ઉમેરવા-કાઢવાની પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર આંતરિક વાંધા નોંધાવ્યા હોવાનો દાવો થયો છે. ભાજપે આ પ્રકારની ચર્ચા અને વાંધાઓને લોકશાહી પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો છે.
