ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની દેશ-વિદેશમાં ચર્ચા થઈ રહી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના વિમાનમાં સવાર લોકોના જીવ બચાવવા તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટનાને પગલે કથાકાર મોરારીબાપુએ કેપ્ટન સ્મિતને શુભેચ્છા પાઠવી અને તેમના શૌર્ય તથા ધૈર્યને વંદન કર્યું.
મોરારીબાપુએ જણાવ્યું કે કેપ્ટન સ્મિતની હિંમતથી દેશનું મસ્તક ગૌરવથી ઊંચું થયું છે. તેમણે સ્મિતના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. સાથે જ કેપ્ટન સ્મિત ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
કોકપિટની કપરા ક્ષણે દેખાડ્યું સાહસ
રિપોર્ટ્સ મુજબ, દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કોકપિટની અંદર ગંભીર ઘટનાક્રમ સર્જાયો હતો. કેપ્ટન સ્મિત મચ્છાર ઘાયલ થયા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા, જેના પગલે મુસાફરો અને ક્રૂના સભ્યો અંદર પહોંચી શક્યા. ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. વિવિધ અહેવાલોમાં વિમાનમાં 174 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 180 લોકો સવાર હોવાનું જણાવાયું છે.
હોસ્પિટલમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન સ્મિત મચ્છારે જણાવ્યું હતું કે પોતાની જિંદગી બચાવવાનો પ્રયાસ કરતી વખતે પણ તેઓ વિમાનમાં સવાર લોકોને મરવા દેવા માંગતા નહોતા. આ ઘટનામાં તેમની હાજરજવાબી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
રાજભા ગઢવીએ પણ કરી પ્રશંસા
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ કેપ્ટન સ્મિત મચ્છારની હિંમતને બિરદાવી છે. તેમણે કહ્યું કે સ્મિતે પોતાના જીવની ચિંતા કર્યા વિના અનેક લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. રાજભા ગઢવીએ તેમની બહાદુરીની તુલના જટાયુના સાહસ સાથે કરી હતી અને આ ઘટનાને દેશ માટે ગૌરવની વાત ગણાવી હતી.
રાજભા ગઢવીએ કેપ્ટન સ્મિતના હનુમાન ચાલીસા પ્રત્યેના આધ્યાત્મિક જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ, મોરારીબાપુએ સ્મિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરી છે. હાલમાં કેપ્ટન સ્મિતની સારવાર ચાલી રહી છે અને તેમની હિંમતને દેશભરમાં સલામ કરવામાં આવી રહી છે.
