પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીની પાંચ વિધાનસભા બેઠકો તથા આસામની નગાંવ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાં છે. ભાજપે ત્રણ અને તેના NDA સહયોગી ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ (AINRC)એ એક બેઠક જીતી છે. તમિલનાડુની બંને બેઠકો પર તમિલગા વેત્રી કઝગમ (TVK)ના ઉમેદવારો વિજેતા બન્યા છે.
ભાજપે આસામની નગાંવ લોકસભા બેઠક ઉપરાંત પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર જીત મેળવી છે. પુડુચેરીની થટ્ટનચાવડી બેઠક AINRCના અશોક આનંદે જીતી છે. તમિલનાડુની ધારાપુરમ અને મદુરંતકમ બેઠકો TVKને મળી છે.
નંદીગ્રામમાં જીતના અંતરનો નવો રેકોર્ડ
નંદીગ્રામમાં ભાજપનાં હસી રાની રથને કુલ 1,64,427 મત મળ્યા હતા. તેમણે 1,22,753 મતના અંતરથી વિજય મેળવ્યો છે. અહેવાલ મુજબ, 1967માં આ બેઠક અસ્તિત્વમાં આવ્યા પછીનું આ સૌથી મોટું વિજય અંતર છે.
અગાઉ 2016માં શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને CPIના અબ્દુલ કબીર શેખને 81,230 મતથી હરાવ્યા હતા. હસી રાની રથની જીતનું અંતર આ આંકડા કરતાં વધુ રહ્યું છે.
મુર્શિદાબાદ જિલ્લાની રેજીનગર બેઠક પર ભાજપના શંખરવ સરકારે 75,816 મતના અંતરથી જીત મેળવી. તેમને કુલ 1,29,914 મત મળ્યા, જ્યારે આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના ગુલામ નબી આઝાદને 54,098 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપને આશરે 63.14 ટકા અને ગુલામ નબી આઝાદને 26.29 ટકા મત મળ્યા હતા.
તમિલનાડુમાં TVK, પુડુચેરીમાં AINRCનો વિજય
તમિલનાડુની ધારાપુરમ બેઠક પર TVKનાં સત્યબામા પી 9,471 મતના અંતરથી જીત્યાં છે. મદુરંતકમ બેઠક પર પાર્ટીનાં કે. મરાગથમ કુમારવેલ વિજેતા બન્યાં છે.
પુડુચેરીની થટ્ટનચાવડી બેઠક પર સત્તાધારી AINRCના અશોક આનંદે નજીકના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર ઇ. વિનાયગમને 8,000થી વધુ મતના અંતરથી હરાવ્યા. DMKના કે. સેતુ ત્રીજા સ્થાને રહ્યા હતા.
મોદી અને વિજયે મતદારોનો આભાર માન્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વિજેતા ઉમેદવારો અને કાર્યકરોને અભિનંદન આપ્યાં છે. X પરની પોસ્ટમાં તેમણે નગાંવ, નંદીગ્રામ અને રેજીનગરનાં પરિણામોને BJP-NDAના સુશાસનના એજન્ડા સાથે લોકોના જોડાણનું પ્રતિબિંબ ગણાવ્યાં. તેમણે થટ્ટનચાવડીમાં જીત બદલ NDAના સહયોગી AINRCને પણ અભિનંદન આપ્યાં.
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે બંને બેઠકોના મતદારોનો આભાર માન્યો. તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટીએ મત ખરીદવા માટે પૈસા ખર્ચ્યા વિના ચૂંટણી જીતી છે. આ જીતને તેમણે કોઈ એક વ્યક્તિ કે પક્ષની નહીં, પરંતુ જનતા અને મતદારોની જીત ગણાવી.
વિજયે બંને વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવાની સાથે પ્રચારમાં જોડાયેલા સાથી પક્ષોના નેતાઓ, કાર્યકરો અને TVKના હોદ્દેદારોનો પણ આભાર માન્યો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ હસી રાની રથને અભિનંદન આપ્યાં અને નંદીગ્રામના પરિણામને કેન્દ્રના ભાજપના નેતૃત્વની વિકાસની રાજનીતિ પરનો જનવિશ્વાસ ગણાવ્યો.
