આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના રાપતાડુમાં આવેલી જિલ્લા પરિષદ હાઈસ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થિની પર ઇલેક્ટ્રિક આરીથી હુમલો થયો છે. હુમલો રોકવાનો પ્રયાસ કરનારી બીજી વિદ્યાર્થિની પણ ઘાયલ થઈ હતી. પોલીસ આરોપીની શોધ કરી રહી છે. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનીને વધુ સારવાર માટે બૅંગલુરુ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે લગભગ 10:30 વાગ્યે વર્ગ ચાલતો હતો ત્યારે એક વ્યક્તિ ઇલેક્ટ્રિક આરી સાથે ક્લાસરૂમમાં ઘૂસી હતી અને વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો. હુમલામાં તેના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી વિદ્યાર્થિનીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે પણ ઘાયલ થઈ હતી. બંનેને અનંતપુરની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ઓ. આનંદે હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. હૉસ્પિટલનાં અધીક્ષક ડૉ. મલ્લેશ્વરીએ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનીને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ઍમ્બ્યુલન્સ મારફતે બૅંગલુરુ લઈ જવામાં આવી રહી છે. શિક્ષણમંત્રી નારા લોકેશે મણિપાલ હૉસ્પિટલના ડૉક્ટરોને શ્રેષ્ઠ સારવાર આપવા જણાવ્યું હતું. તેમણે કર્ણાટક સરકારને ઍમ્બ્યુલન્સ માટે ‘ગ્રીન કૉરિડોર’ની વ્યવસ્થા કરવા પણ વિનંતી કરી હતી.
પોલીસ તપાસ અને શાળાની સુરક્ષાના સવાલ
અનંતપુરના પોલીસ અધીક્ષક જગદીશના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં હુમલાખોરની ઓળખ હેમંત તરીકે થઈ છે. તે શ્રી સત્ય સાઈ જિલ્લાના ધર્માવરમ મંડળના નાગુલુ વિસ્તારનો રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે તે વિદ્યાર્થીનીનો સગો છે. વિદ્યાર્થીનીનું નિવેદન નોંધાયા બાદ બંને વચ્ચેના સંબંધ કે કોઈ વિવાદ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. આરોપી પકડાયો હોવાના અહેવાલોને એસપીએ નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેની શોધ ચાલી રહી છે.
પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શાળામાં સમારકામ ચાલતું હોવાથી કેટલાક શિક્ષકો અને સુરક્ષા કર્મચારીઓએ આરોપીને મજૂર સમજી લીધો હતો અને પૂછપરછ કર્યા વિના અંદર જવા દીધો હતો. શાળાનાં આચાર્ય રાજેશ્વરીએ જણાવ્યું હતું કે ઘટના સમયે ત્યાં પાંચ શિક્ષકો હાજર હતા. તેમણે કહ્યું કે બીજા પિરિયડ દરમિયાન હુમલાખોર ક્લાસરૂમમાં ઘૂસ્યો હતો અને બાળકો ગભરાઈને બહાર દોડ્યાં હતાં.
મુખ્યમંત્રીએ સારવાર માટે સૂચના આપી
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી અધિકારીઓ પાસેથી વિદ્યાર્થીનીના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી. તેમણે તબીબી ટીમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી અને વિદ્યાર્થીનીની માતા સાથે ફોન પર વાત કરી હતી. શિક્ષણમંત્રી લોકેશે બાળકોની સુરક્ષામાં બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળામાં આરી લઈને વ્યક્તિ કેવી રીતે પ્રવેશી શકી અને સુરક્ષા વ્યવસ્થા શું કરી રહી હતી તેવા સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિક લોકોએ શાળાઓમાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા કડક પગલાં માગ્યાં છે. પોલીસ તપાસ ચાલુ છે; વિદ્યાર્થીનીનું નિવેદન નોંધાયા પછી કેસની વધુ વિગતો સ્પષ્ટ થવાની અપેક્ષા છે.
