બિહારના મोकામાના ધારાસભ્ય અનંત સિંહની દીકરી શિવાંગી સિંહનાં લગ્ન માટે તેમના પૈતૃક ગામ નદાવાંમાં તૈયારીઓ ચાલી રહી છે. 25 નવેમ્બરે યોજાનારા લગ્નસમારોહમાં જયમાલા સ્ટેજ અને મંડપ જયપુરના પત્રિકા ચોકની થીમ પર તૈયાર કરાશે.

આયોજન માટે આશરે 10 વીઘા વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે. જયમાલા સ્ટેજ આશરે 100 ફૂટ પહોળું અને 35 ફૂટ લાંબું હશે; તેની ઊંચાઈ લગભગ 30 ફૂટ રાખવાની છે. સ્ટેજની વચ્ચે રેસ્ટોરાં બનાવવાની પણ યોજના છે, જેથી મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા થઈ શકે.

અલગ રાજ્યોના કારીગરો કામે લાગ્યા

ટેન્ટનું કામ કરવા ઉત્તર પ્રદેશના મૌથી કારીગરો આવ્યા છે, જ્યારે લાઇટિંગ માટે પશ્ચિમ બંગાળના નિષ્ણાતોને બોલાવાયા છે. ફૂલ, લાઇટ, ટેન્ટ અને કાર્પેટ સહિત સજાવટનાં વિવિધ કામમાં આશરે 400થી 500 કારીગરો જોડાયેલા છે. તૈયારીઓ સંભાળતા ઇવેન્ટ વ્યવસાયી પ્રદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે 20થી 21 નવેમ્બર સુધીમાં સ્ટેજ અને મંડપનું સ્વરૂપ સ્પષ્ટ દેખાવા લાગશે.

મહેમાનો માટે ચાર અલગ સ્થળે ભોજનની વ્યવસ્થા કરાઈ રહી છે. જયસ્વાલે સ્પષ્ટતા કરી હતી કે સજાવટની થીમ જયપુરના પત્રિકા ચોકની છે; તેમાં લાલ કિલ્લા કે તાજમહેલનું દૃશ્ય બનાવવાનું નથી.