કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાં ભારતની અંદર જન્મેલા આતંકીઓથી મુક્તિ મળી હોવાનો દાવો કર્યો છે. નવી દિલ્હીમાં ગુરુવારે બે દિવસીય આતંકવાદ-વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે લશ્કરના આતંકી લતીફ ભટના માર્યા ગયા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. શાહે તેને આતંકવાદ સામેની લડાઈમાં મોટી સિદ્ધિ ગણાવી હતી.
તેમણે કહ્યું કે આતંકવાદ સામેની કામગીરીનું મૂલ્યાંકન માત્ર હુમલા પછીની તપાસથી ન થવું જોઈએ. કોઈ આતંકી ઘટના બને તે પહેલાં જ શંકાસ્પદોને પકડી લેવું એ એજન્સીઓની સફળતાનું માપદંડ હોવું જોઈએ. શાહે રાજ્યોની પોલીસને આ અભિગમનો અભ્યાસ કરીને અમલમાં મૂકવા જણાવ્યું હતું.
આતંકી નેટવર્ક અને ભંડોળ પર સંયુક્ત કાર્યવાહી
શાહના જણાવ્યા મુજબ, આતંકવાદ સામે લડતી તમામ કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્યોએ એકસરખું લક્ષ્ય રાખવું તથા તેમની જવાબદારી નક્કી થવી જરૂરી છે. કોઈ એક કેસ નોંધાયા પછી તપાસને ત્યાં અટકાવવાને બદલે, તેની સાથે જોડાયેલા સમગ્ર આતંકી નેટવર્કને ઓળખીને તેને તોડી પાડવા સુધી આગળ વધવું જોઈએ, એમ તેમણે કહ્યું.
આતંકવાદને મળતા નાણાંની સમગ્ર સાંકળ ખતમ કરવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. આતંકવાદ, સંગઠિત અપરાધ અને માદક દ્રવ્યોના નેટવર્ક સામે કાર્યવાહી માટે વિદેશમાં રહેલા ભાગેડુઓને ભારત લાવવાની વાત કરતાં શાહે જણાવ્યું કે 2019થી અત્યાર સુધી 36 દેશોમાંથી 303 ભાગેડુઓને પરત લાવવામાં આવ્યા છે.
તેમણે રાજ્યોના એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને સાયબર નિષ્ણાતોની ટીમ મજબૂત કરવાની સલાહ આપી હતી. શાહે કહ્યું કે મલ્ટી એજન્સી સેન્ટર (MAC)નું કાર્યક્ષેત્ર વધારી તેમાં સાયબર સુરક્ષા, નાર્કો-ટેરરિઝમ અને કટ્ટરપંથી પ્રવૃત્તિના હોટસ્પોટનો સમાવેશ કરાયો છે.
NIAનું વિસ્તરણ અને અન્ય કાર્યવાહી
શાહે નેશનલ મેમરી બેંકની સ્થાપનાને આતંકવાદ સામેની તૈયારી માટે મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે NIAની કાનૂની સત્તા વધારવામાં આવી છે અને દેશભરમાં તેની પહોંચ વિસ્તરાવવામાં આવી છે. એજન્સીની 16 નવી શાખા કચેરીઓ અને બે ઝોનલ કચેરીઓને મંજૂરી અપાઈ છે. વિદેશમાં ભારતીયોના હિતોના રક્ષણ સાથે જોડાયેલા કેસોની તપાસ કરવાની સત્તા પણ NIAને અપાઈ હોવાનું તેમણે કહ્યું.
PFI નેટવર્ક સામેની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં શાહે તેને સંયુક્ત પોલીસ અભિયાનની સફળતા ગણાવી હતી. તેમના કહેવા પ્રમાણે, 11 રાજ્યોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ એક જ રાતે મળીને કાર્યવાહી કરી હતી. શહેઝાદ ભટ્ટી નેટવર્કને UAPA હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરાયું હોવાનું જણાવતાં તેમણે દાવો કર્યો કે તેના 40થી વધુ મોડ્યુલ તોડી પડાયા, 100થી વધુ કેસ નોંધાયા અને 271થી વધુ ધરપકડ થઈ.
પરિષદ દરમિયાન NIAના ‘Fail-Safe Investigation’ પુસ્તકનું વિમોચન, ચંદીગઢમાં એજન્સીના કાર્યાલય સંકુલનું ભૂમિપૂજન અને દિલ્હીના મેદાનગઢીમાં બનેલા રહેણાક સંકુલનું ઉદ્ઘાટન પણ થયું. NIAનું ‘પુષ્ટિ’ પોર્ટલ ઈ-લૉન્ચ કરાયું હતું અને એજન્સીના સાત અધિકારીઓ તથા કર્મચારીઓને અલંકાર એનાયત કરાયા હતા.
