સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ ઉપરાંત ધનરાજ પરિમલ નથવાણીને ઉમેદવાર બનાવ્યા છે. ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

ધનરાજ નથવાણી ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર છે. પરિમલ નથવાણી ઝારખંડથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરે છે અને રિલાયન્સ ગ્રુપ સાથે લાંબા સમયથી જોડાયેલા છે.

ધનરાજ નથવાણીની પૃષ્ઠભૂમિ

ધનરાજ નથવાણીનો જન્મ 5 ફેબ્રુઆરી 1986ના રોજ થયો હતો. તેમણે લંડનની Regents Business Schoolમાંથી International Businessનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ Corporate Law અને Public Relations Managementમાં MBA કર્યું છે. તેઓ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા રહ્યા છે અને કોર્પોરેટ ક્ષેત્ર ઉપરાંત CSR તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં ભૂમિકા

ધનરાજ નથવાણી લાંબા સમયથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા છે. વર્ષ 2019માં તેઓ GCAના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. નવેમ્બર 2022માં તેમણે એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. GCA સાથેના કાર્યકાળ દરમિયાન તેઓ રાજ્યમાં ક્રિકેટ સંબંધિત માળખાગત સુવિધાઓ અને રમતગમતની વિવિધ પહેલોમાં જોડાયેલા રહ્યા હતા.

રાજ્યસભાની આ ઉમેદવારીથી ધનરાજ નથવાણી હવે સક્રિય રાજકીય ભૂમિકામાં પ્રવેશી રહ્યા છે. તેમની જાહેર ઓળખ અત્યાર સુધી મુખ્યત્વે કોર્પોરેટ ક્ષેત્ર, ક્રિકેટ વહીવટ અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી રહી છે.