ભારતીય નૌકાદળના જહાજો INS સહ્યાદ્રી અને INS કુલિશની ભાગીદારી સાથે ASEAN-India Maritime Exercise (AIME-2026)ની બીજી આવૃત્તિ ફિલિપાઈન્સના સુબિક બે ખાતે શરૂ થઈ છે. કવાયતની શરૂઆત 28 સપ્ટેમ્બર, 2026ના રોજ થઈ હતી. તેમાં ભારત ઉપરાંત ASEAN સભ્ય દેશોની દરિયાઈ દળો ભાગ લઈ રહી છે.
આ વર્ષની કવાયતનું સૂત્ર “Anchored in Trust, United at Sea” છે. કવાયતનો હેતુ ભાગ લેનારા દેશો વચ્ચે પરસ્પર સમજ, દરિયાઈ સહકાર અને સંયુક્ત કામગીરી માટેની ક્ષમતા વધારવાનો છે. AIME-2026નું આયોજન ભારત અને ASEAN દેશોના દરિયાઈ દળો વચ્ચે વ્યાવસાયિક અને ઓપરેશનલ સંપર્ક વધારવા માટે કરવામાં આવ્યું છે.
હાર્બર ફેઝમાં વ્યાવસાયિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો
કવાયતના હાર્બર ફેઝ દરમિયાન નિષ્ણાત સ્તરની ચર્ચાઓ, ઓપરેશનલ પ્રવૃત્તિઓ, રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ તબક્કામાં સમુદ્રી દળોના કર્મચારીઓ વચ્ચે અનુભવ અને કાર્યપદ્ધતિ અંગે ચર્ચા થશે. ત્યારબાદ સમુદ્રમાં સંયુક્ત અભ્યાસ શરૂ થાય તે પહેલાં પ્રી-સેલ બ્રીફિંગ યોજાશે.
સમુદ્રમાં સંકલિત અભ્યાસ
સી ફેઝ દરમિયાન ભાગ લેનારા દેશોના દરિયાઈ દળો સંકલિત દરિયાઈ કવાયત અને વિવિધ ઓપરેશનલ પ્રવૃત્તિઓ હાથ ધરશે. આ અભ્યાસનો ઉદ્દેશ દરિયામાં પરસ્પર સંકલન, વ્યાવસાયિક સમજ અને ઇન્ટરઓપરેબિલિટી વધારવાનો છે.
ઉદઘાટન સમારોહમાં ફિલિપાઈન્સમાં ભારતના રાજદૂત હર્ષ કુમાર જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌકાદળની આ ભાગીદારી ભારતની Act East Policy અને MAHASAGAR—‘Mutual and Holistic Advancement for Security and Growth Across Regions’—ની દિશામાં પ્રાદેશિક દરિયાઈ સહકારને આગળ ધપાવતી હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે.
