અમદાવાદથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં 12 વર્ષની વિદ્યાર્થિનીએ સાથી વિદ્યાર્થીને વિમાનમાં બોમ્બ હોવાની વાત કરતાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા ચકાસણી હાથ ધરાઈ હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની શાળાની ગુજરાત પ્રવાસયાત્રા પૂરી કરીને અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરત ફરી રહી હતી.
કેબિન ક્રૂના એક સભ્યે આ વાત સાંભળ્યા બાદ પાઇલટને જાણ કરી હતી. વિમાન હૈદરાબાદ પહોંચ્યા પછી તેને અલગ રાખવામાં આવ્યું અને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા. CISFના જવાનો અને પોલીસે વિમાનની સાથે મુસાફરોના સામાનની પણ તપાસ કરી. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
તપાસ બાદ મુસાફરોને જવાની મંજૂરી
પોલીસના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થિની સગીર હોવાથી તેની સામે ફરિયાદ નોંધાઈ નહોતી અને કેસ પણ દાખલ કરાયો નહોતો. શિક્ષકોની હાજરીમાં તેને સમજાવવામાં આવી હતી. સુરક્ષા તપાસ પૂરી થયા બાદ મુસાફરો અને વિદ્યાર્થીઓને તેમનો સામાન લઈને એરપોર્ટથી જવાની મંજૂરી આપવામાં આવી.
અધિકારીઓએ આ ઘટનાને મજાકમાં કરેલી ટિપ્પણી ગણાવી હતી. ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાતને પગલે સુરક્ષા પ્રોટોકોલ મુજબ તપાસ કરાઈ, પરંતુ વિમાન કે સામાનમાંથી કોઈ જોખમી વસ્તુ મળી હોવાની જાણકારી આપવામાં આવી નથી.
