ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં ખંદૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આગ્રા-અલીગઢ હાઈવે પર શનિવારે, 3 ઓક્ટોબર 2026ના રોજ સવારે કન્ટેનર અને ડમ્પર વચ્ચે ગંભીર ટક્કર થઈ હતી. ટક્કર બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ડમ્પર ચાલક અને ક્લીનરનાં મોત થયાં હતા, જ્યારે કન્ટેનર ચાલક અને નજીકથી પસાર થઈ રહેલા બાઈક સવાર ઘાયલ થયા હતા.
અકાસ્મિક આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ડમ્પર ચાલક અને ક્લીનર બહાર નીકળી શક્યા નહોતા. આગ બુઝાવ્યા બાદ બંનેનાં મૃતદેહો વાહનની સીટ પાસે મળ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વહેલી સવારે થયો અકસ્માત
નજરેજોનારોના જણાવ્યા મુજબ, અકસ્માત સવારે લગભગ 5:45 વાગ્યે થયો હતો. ટક્કર બાદ જોરદાર ધડાકો સંભળાયો અને થોડા જ સમયમાં બંને વાહનોમાંથી ધુમાડો તથા ઊંચી જ્વાળાઓ ઊઠવા લાગી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ એક કલાકની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, ડમ્પર અલીગઢ તરફથી આગ્રા આવી રહ્યું હતું, જ્યારે કન્ટેનર સામેથી આવી રહ્યું હતું. કન્ટેનરમાં ફ્રોઝન વટાણા ભરેલા હોવાનું જણાવાયું છે. ટક્કર બાદ પાછળથી આવી રહેલા બાઈક સવારો પણ ઘટનાની ઝપેટમાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કન્ટેનર ચાલકે કૂદીને બચાવ્યો જીવ
કન્ટેનર ચાલક શિવરામે જણાવ્યું હતું કે તેઓ ચંદૌસીથી ગુજરાત તરફ જઈ રહ્યા હતા. હાઈવે પર ડમ્પર અચાનક સામે આવી જતાં તેમણે બ્રેક લગાવીને વાહન વાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને વાહનો અથડાઈ ગયા. આગ કન્ટેનરના પાછળના ભાગ સુધી ફેલાતાં પહેલાં તેઓ વાહનમાંથી કૂદી ગયા હતા. આ ઘટનામાં તેમના પગ અને માથામાં ઈજા થઈ હોવાનું જણાવાયું છે.
ઈજાગ્રસ્ત બાઈક સવાર સુમિત સિંહ અને સીટૂ સાદાબાદ મંડીથી પરત ફરી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, આગળ જતાં ડમ્પરે અચાનક બ્રેક લગાવતાં બાઈક તેની સાથે અથડાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ડમ્પર ચાલકને ઝોકું આવી જવું અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ ચાલુ છે.
હાઈવે પર લાંબો ટ્રાફિક જામ
અકસ્મત બાદ આગ્રા-અલીગઢ હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને આશરે 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી બળેલા વાહનોને રસ્તા પરથી હટાવી હાઈવેની બાજુએ કરાવ્યાં બાદ વાહનવ્યવહાર ધીમે ધીમે સામાન્ય બન્યો હતો. આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી આશરે 36 કિલોમીટર દૂર થયો હોવાનું જણાવાયું છે.
