કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને શનિવારે મુક્ત કરવામાં આવ્યા. પક્ષની લીગલ સેલનાં વડાં રત્નાસિંહે તેમની મુક્તિની પુષ્ટિ કરી હતી. શુક્રવારે કનૉટ પ્લેસમાં ‘લહેરા દો તિરંગા’ માર્ચનું આહ્વાન કર્યા બાદ દીપકેને અટકાયતમાં લેવાયા હતા. શનિવારે બપોરે તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા.
‘બાર ઍન્ડ બેન્ચ’ના અહેવાલ મુજબ, મેજિસ્ટ્રેટે કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. ‘લાઇવ લૉ’ના અહેવાલ પ્રમાણે, દીપકેને બૉન્ડની શરતો સ્વીકારવાની અને એક વર્ષ સુધી શાંતિ જાળવવાની હતી. સીજેપીના જણાવ્યા મુજબ, મુક્તિ બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
અટકાયત પહેલાં શું બન્યું?
સીજેપીએ શુક્રવારે સાંજે પાંચ વાગ્યે કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસની ટીમે સવારે દીપકે જ્યાં રોકાયા હતા ત્યાં જઈ તેમને નોટિસ આપી હતી. નોટિસમાં માર્ચમાં ભાગ ન લેવા જણાવાયું હતું. પોલીસનું કહેવું હતું કે કનૉટ પ્લેસમાં લોકોને ભેગા કરવાની અપીલ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી.
શુક્રવારે સાંજે લગભગ 4.50 વાગ્યે દીપકે ઘરેથી નીકળ્યા ત્યારે પોલીસકર્મીઓએ તેમને રોક્યા હતા. સીજેપીએ બાદમાં દાવો કર્યો હતો કે તેમને દીપકે ક્યાં રાખવામાં આવ્યા છે તેની જાણ આપવામાં આવી નહોતી અને વકીલો સાથે વાત કરવાની મંજૂરી પણ મળી નહોતી. ઇન્ડિયન એક્સપ્રેસે પોલીસ સૂત્રોને ટાંકીને તેમને જાફરપુર કલાં પોલીસ સ્ટેશન લઈ જવાયા હોવાનું જણાવ્યું હતું.
શનિવારે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનની બહાર વકીલો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થતાં તણાવ સર્જાયો હતો. બીબીસીના સંવાદદાતાના જણાવ્યા મુજબ, અટકાયતમાં લેવાયેલા લોકો સાથે મુલાકાત કે તેમની તરફથી વકીલાત કરવાની મંજૂરી ન મળતાં વકીલોએ વિરોધ કર્યો હતો. રત્નાસિંહે સુનાવણીમાં વિલંબ અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
સીજેપીના અન્ય નેતાઓની સ્થિતિ
સીજેપીના સૌરવ દાસ અને આશુતોષ રાંકા જંતર-મંતર પર પરવાનગી વિના પ્રવેશવાના કેસમાં પાંચ દિવસની ન્યાયિક હિરાસતમાં તિહાડ જેલમાં છે. પોલીસનો આરોપ છે કે તેઓ બંધ ગેટ પાર કરીને અંદર ગયા, તિરંગો ફરકાવ્યો અને પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો. સીજેપીનું કહેવું છે કે તેના નેતાઓ તિરંગો ફરકાવવા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા ગયા હતા.
શુક્રવારે કનૉટ પ્લેસ અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ‘ઇન્ડિયા ટુડે’એ પોલીસ સૂત્રોને ટાંકીને આશરે 150 લોકોની અટકાયત થયાનું જણાવ્યું હતું. કનૉટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ ભેગા થવા પર પ્રતિબંધ હતો. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલે સેન્ટ્રલ પાર્ક 16 અને 17 ઑક્ટોબરે બંધ રાખ્યો હતો.
