નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર આકરો પ્રહાર કર્યો. ભારતના પ્રતિનિધિ પી. હરિશે જણાવ્યું કે 9/11 હુમલાના મુખ્ય કાવતરાખોરો કોઈ દૂરના ગુફા વિસ્તારમાં નહીં, પરંતુ પાકિસ્તાનના શહેરી વિસ્તારોમાં મળી આવ્યા હતા.
ભારતે ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અલ-કાયદાનો નેતા 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી કાર્યવાહી દરમિયાન માર્યો ગયો હતો. ભારતે દાવો કર્યો કે લાદેન સહિત અલ-કાયદાના કેટલાક વરિષ્ઠ નેતાઓ પાકિસ્તાનમાં મળી આવ્યા હતા અથવા પકડાયા હતા.
આતંકવાદી સંગઠનો અંગે ભારતનો આરોપ
ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનમાં રહેલા ‘પરમિસિવ એન્વાયર્નમેન્ટ’નો ઉલ્લેખ કરીને કહ્યું કે આ વાતાવરણ અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠનો ઉપરાંત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથોને પણ જગ્યા અને સમર્થન આપે છે.
ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદીઓ ઉપરાંત તેમને આશ્રય, નાણાં અને સહાય પૂરી પાડનારાઓ સામે પણ અસરકારક કાર્યવાહી કરવાની અપીલ કરી. ભારતે ચેતવણી આપી કે આતંકવાદી સંગઠનો અલગ-અલગ નામે કામ કરીને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ વ્યવસ્થાથી બચવાનો પ્રયાસ કરે છે.
