સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મૃત્યુદંડના ઉપયોગ પર રોક લગાવવાના પ્રસ્તાવને બહુમતીથી મંજૂરી મળી છે. 193 સભ્યોની મહાસભામાં 133 દેશોએ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો, જ્યારે ભારત સહિત 33 દેશોએ વિરોધ કર્યો. 16 દેશો મતદાનથી દૂર રહ્યા. મેક્સિકોએ રજૂ કરેલા આ પ્રસ્તાવનો હેતુ ફાંસીનો ઉપયોગ અટકાવવાની દિશામાં આગળ વધવાનો અને અંતે મૃત્યુદંડ નાબૂદ કરવાનો છે.
ભારત ઉપરાંત અમેરિકા, ચીન, પાકિસ્તાન, જાપાન, ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, બહેરીન, કુવૈત, માલદીવ, ઓમાન અને કતાર સહિતના દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધ મત આપ્યો. પ્રસ્તાવમાં દેશોના પોતાના કાયદા ઘડવાના અને આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ સજાઓ નક્કી કરવાના અધિકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સાથે જ, તમામ દેશોને ફાંસી પર રોક મૂકવા અપીલ કરાઈ છે. જે દેશોએ મૃત્યુદંડ નાબૂદ કર્યો છે, તેમને તેને ફરી લાગુ ન કરવા પણ કહેવામાં આવ્યું છે.
પ્રસ્તાવમાં કોને મૃત્યુદંડ ન આપવાની અપીલ
પ્રસ્તાવમાં ગુનો કરતી વખતે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે મૃત્યુદંડ ન આપવાની ભલામણ છે. ગુનો થયો ત્યારે આરોપીની ઉંમર 18 વર્ષથી ઓછી હતી કે નહીં તે ચોક્કસ રીતે નક્કી ન થઈ શકે, તો પણ તેને આ સજા ન આપવાની અપીલ કરાઈ છે.
ગર્ભવતી મહિલાઓ, માનસિક અથવા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતા લોકો અને વૃદ્ધોને પણ મૃત્યુદંડમાંથી મુક્તિ આપવા પ્રસ્તાવમાં સૂચવાયું છે. મૃત્યુદંડ આપી શકાય એવા ગુનાઓની સંખ્યા ઘટાડવા અને અમુક ગુનાઓમાં ફરજિયાત મૃત્યુદંડની જોગવાઈ દૂર કરવા પણ દેશોને અપીલ કરવામાં આવી છે.
2025માં ફાંસીની ઘટનાઓ વધવા અંગે ચિંતા
પ્રસ્તાવમાં દુનિયાભરમાં મૃત્યુદંડનો સતત ઉપયોગ થતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. અનેક દેશો આ સજાનો ઉપયોગ મર્યાદિત કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોવા છતાં, 2025માં નોંધાયેલી ફાંસીની ઘટનાઓમાં મોટો વધારો થયો હોવાનું તેમાં જણાવાયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મૃત્યુદંડનો ઉપયોગ ક્રમશઃ ઘટાડવા અને ફાંસી પર રોક મૂકવા તમામ દેશોને ફરી અપીલ કરાઈ છે.
