અમેરિકાના ટેનેસીમાં હત્યાના ગુનામાં દોષિત ઠરેલી 50 વર્ષની ક્રિસ્ટા પાઇકને ફાંસી આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. પેન્ટોબાર્બિટલની બે માત્રા આપવામાં આવ્યા બાદ પણ તેમના હૃદયના ધબકારા બંધ થયા નહોતા. ત્યારબાદ તેમને જેલની બહાર આવેલી તબીબી સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને જીવન બચાવવાના પ્રયાસો હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી.

ગુરુવારની સવાર સુધી પાઇકની તબિયત અંગે સત્તાવાર રીતે સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નહોતી. તેમના એક વકીલે જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ટેનેસીના ગવર્નર બિલ લીએ ઘટનાની સ્વતંત્ર સમીક્ષાનો આદેશ આપ્યો છે. તેમણે એ પણ કહ્યું છે કે આ વર્ષની બાકી રહેલી છેલ્લી ફાંસી હવે નિર્ધારિત કાર્યક્રમ મુજબ નહીં થાય.

ફાંસીની પ્રક્રિયામાં શું બન્યું?

પાઇકને 1996માં 19 વર્ષની કોલીન સ્લેમરની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલો તેમણે તે સમયના પોતાના બૉયફ્રેન્ડ ટાડારિલ શિપ સાથે મળીને કર્યો હતો. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કાનૂની પડકારનો અંતિમ તબક્કો પૂર્ણ થયા બાદ બુધવાર સાંજે તેમને પેન્ટોબાર્બિટલ આપીને ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

પાઇકની કાનૂની ટીમે જણાવ્યું હતું કે દવાની બે માત્રા આપ્યા બાદ પણ તેમના હૃદયના ધબકારા બંધ થયા નહોતા અને શ્વાસ લેવાનો અવાજ સંભળાતો હતો. જોકે, દવાની માત્રા જીવલેણ કેમ સાબિત ન થઈ તે અંગે ટેનેસીના સુધારણા વિભાગે હજુ સુધી ચોક્કસ કારણ આપ્યું નથી.

વિભાગે પોતાની પદ્ધતિનો બચાવ કરતાં કહ્યું હતું કે પ્રક્રિયા મુજબ કરવામાં આવેલી કાર્યવાહીથી આગળ વધવાની મંજૂરી નહોતી. એક અહેવાલ મુજબ, બીજી માત્રા આપ્યા બાદ પણ કેદી જીવતો રહે તો શું કરવું તે અંગે રાજ્યની માર્ગદર્શિકામાં સ્પષ્ટ સૂચના નથી.

એમોરી યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના પ્રોફેસર ડૉ. જોએલ ઝિવોટે, જેમને પાઇકના વકીલોએ તબીબી નિષ્ણાત તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા, સંભવિત કારણ અંગે મત વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, પાઇકના લોહીમાં પેન્ટોબાર્બિટલનું પ્રમાણ કદાચ એટલું વધ્યું ન હતું કે શ્વાસ બંધ પડે અને હૃદય તથા રક્ત પરિભ્રમણની પ્રક્રિયા અટકી જાય.

ડૉ. ઝિવોટે એમ પણ જણાવ્યું હતું કે પુનર્જીવનની પ્રક્રિયા શરૂ કરવામાં વિલંબ થયો હોય તો મગજને નુકસાન થવાની શક્યતા છે. આ અંગે અંતિમ તબીબી સ્થિતિ હજુ જાહેર કરવામાં આવી નથી.

દવાની અસર અંગે ઉઠેલા સવાલો

પેન્ટોબાર્બિટલ શક્તિશાળી શામક દવા છે. તબીબી પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ થાય છે, જ્યારે વધુ માત્રામાં તેનો ઉપયોગ ફાંસીની પ્રક્રિયામાં કરવામાં આવે છે. પાઇકની કાનૂની ટીમે દાવો કર્યો છે કે ઉપયોગમાં લેવાયેલી દવાની અસરકારકતા ઘટી ગઈ હોઈ શકે છે. ટેનેસીના સુધારણા વિભાગે આ ચોક્કસ દાવાનો જવાબ આપ્યો નથી.

દવાની અસરકારકતા ઘટવાનું એક સંભવિત કારણ તેની ઉપયોગની છેલ્લી તારીખ પસાર થઈ જવી હોઈ શકે છે. જોકે, વિભાગે કહ્યું હતું કે ફાંસીની પ્રક્રિયામાં નક્કી કરાયેલું રસાયણ સતત અસરકારક સાબિત થયું છે. ઘટનાની સ્વતંત્ર સમીક્ષા બાદ જ દવાની સ્થિતિ અને પ્રક્રિયામાં થયેલી સંભવિત ખામી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકાના કેટલાક રાજ્યો માટે ફાંસીમાં વપરાતી દવાઓ મેળવવી મુશ્કેલ બની છે. દવા બનાવતી કંપનીઓએ પોતાની દવાઓનો આ હેતુ માટે ઉપયોગ કરવાનો વિરોધ કર્યો છે. સંઘીય સ્તરે પેન્ટોબાર્બિટલના ઉપયોગ અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે આવો પ્રતિબંધ ટેનેસી જેવા રાજ્યો પર લાગુ પડતો નથી.

અગાઉ પણ નિષ્ફળ રહી છે ફાંસીની પ્રક્રિયા

ટેનેસીમાં 2026 દરમિયાન ફાંસીનો પ્રયાસ નિષ્ફળ જવાની પાઇકની ઘટના પહેલી નથી. 1994માં ત્રણ લોકોના અપહરણ અને હત્યાના ગુનામાં દોષિત ઠરેલા ટોની કૅરુથર્સને ફાંસી આપવાની હતી, પરંતુ દવા આપવા માટે નસ શોધવામાં કર્મચારીઓ નિષ્ફળ જતા પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ ગવર્નર બિલ લીએ તેમની ફાંસી એક વર્ષ માટે મુલતવી રાખી હતી.

અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ નોંધાઈ છે. 2014માં ઓક્લાહોમામાં ક્લેટન લૉકેટ્ટને ત્રણ દવાઓ આપવામાં આવી હતી, પરંતુ એક નસ ફાટી જતાં દવાઓ યોગ્ય રીતે કામ કરી શકી નહોતી. લગભગ 20 મિનિટ બાદ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી.

ડેથ પેનલ્ટી ઇન્ફર્મેશન સેન્ટરના જણાવ્યા મુજબ, 2022માં અમેરિકામાં થયેલી ફાંસીઓમાંથી એક તૃતીયાંશથી વધુ કેસમાં પ્રક્રિયા નિષ્ફળ રહી હતી અથવા ગંભીર સમસ્યાઓ ઊભી થઈ હતી. સંસ્થાના આંકડા મુજબ, ફાંસીની અન્ય પદ્ધતિઓની સરખામણીએ ઘાતક ઇન્જેક્શનની પ્રક્રિયામાં આવી નિષ્ફળતાઓનું પ્રમાણ સૌથી વધુ છે.

હાલ સત્તાવાળાઓએ પાઇકને ફરીથી ફાંસી આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. ગવર્નર દ્વારા કરાવવામાં આવતી સમીક્ષા અને પાઇકની તબીબી સ્થિતિ બાદ જ આગળની કાનૂની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે.