પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ઝેલમ વેલી જિલ્લાના નોગ્રાન ગામના સંદીસ 11 વર્ષની ઉંમરે ઘર છોડીને ચાલ્યા ગયા હતા. કારણ હતું શાળાના શિક્ષકનો ડર. 66 વર્ષ બાદ જ્યારે તેઓ પોતાના ગામે પરત ફર્યા ત્યારે માતા-પિતા અને ભાઈ-બહેનમાંથી કોઈ તેમને આવકારવા જીવિત નહોતું. જોકે, પરિવારની નવી પેઢીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

સંદીસ હવે અબ્દુલ અઝીઝ નામે ઓળખાય છે. તેઓ વર્ષ 1960માં ગોહારાબાદ સ્કૂલમાં ભણતા હતા. તેમના ભત્રીજા મતીનના જણાવ્યા અનુસાર, શિક્ષકે સંદીસને શાળામાં માર માર્યો હતો. ત્યારબાદ શિક્ષક તેમના ઘરે પણ ગયા અને સંદીસ અભ્યાસમાં ધ્યાન આપતા નથી તથા શાળાએ આવતા નથી તેવી ફરિયાદ કરી હતી.

આ ઘટનાના થોડા સમય બાદ સંદીસ ઘરેથી નીકળી ગયા. એક ટ્રક ડ્રાઇવરે તેમને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ફૈસલાબાદ પહોંચાડ્યા. ત્યાર પછી તેમણે પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં મહેનત કરીને જીવન પસાર કર્યું. બાદમાં તેઓ ખાનપુરા કટુરા ગામે રહેવા લાગ્યા, જ્યાં સ્થાનિક રહેવાસી સઇદ અહેમદ અને રફીક અહેમદે તેમને આશરો આપ્યો.

સંદીસે જણાવ્યું કે તેમને ઘર યાદ આવતું હતું, પરંતુ શિક્ષકનો ડર ફરી ઘરે પરત ફરવાનો વિચાર અટકાવી દેતો હતો. સઇદ અહેમદની મદદથી તેમનું ઓળખપત્ર અબ્દુલ અઝીઝ નામે બન્યું. તેમણે ત્યાં સગાઈ પણ કરી હતી, પરંતુ લગ્ન થઈ શક્યાં નહોતાં.

પરિવાર સાથે ફરી જોડાવાનો માર્ગ

વર્ષ 2005માં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આવેલા ભૂકંપ બાદ સંદીસના પરિવારને લાગ્યું હતું કે તેઓ જીવિત નહીં રહ્યા હોય. સંદીસે કહ્યું કે ભૂકંપમાં હજારો લોકોનાં મોત થયાં ત્યારે તેમણે પોતાના પૈસાથી એક નાની મસ્જિદ બનાવી હતી, જેથી તેમના માતા-પિતાને આશીર્વાદ મળે.

તેમના પાછા ફરવાનો રસ્તો એક દુકાનમાં થયેલી ઓળખાણથી ખુલ્યો. દુકાનમાં કામ કરતા રાશિદને સંદીસે પોતાની કહાણી જણાવી. ત્યાં આવતા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ડ્રાઇવર રમઝાન સુધી આ વાત પહોંચતાં તેમણે સંદીસના પરિવારની શોધખોળ કરી. બાદમાં રમઝાને પરિવારજનોનો સંપર્ક કરાવ્યો અને સંદીસના ભત્રીજા તેમને લેવા પહોંચ્યા.

સંદીસે પરિવાર સાથે જવા પહેલાં શરત મૂકી હતી કે શાળાનો શિક્ષક તેમને ડરાવવા નહીં આવે. નોગ્રાન પહોંચ્યા ત્યારે વસ્તી વધી જવાને કારણે ઘણું બદલાઈ ગયું હતું, પરંતુ તેમણે પોતાની જમીન અને ઘરની જગ્યા ઓળખી લીધી.

પરિવારના સભ્ય મુબારક અવના જણાવ્યા અનુસાર, સંદીસ પરત આવ્યા ત્યારથી દૂર-દૂરથી લોકો તેમને મળવા આવી રહ્યા છે. ઘરમાં દિવસ-રાત તહેવાર જેવું વાતાવરણ રહે છે. સંદીસ પોતાના પરિવારની નવી પેઢીને મળીને ખુશ છે, જોકે માતા-પિતા અને ભાઈઓને ફરી ન જોઈ શકવાના દુઃખ સાથે તેઓ ગામમાં પરત ફર્યા છે.