અમેરિકાના ઓહાયો રાજ્યમાં ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારના રિચમન્ડ હાઇટ્સ સ્થિત શ્રી સ્વામીનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિરમાં નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. મંદિર પર ઈંટો ફેંકવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે બારીઓ તૂટી ગઈ હતી.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, ઘટના બપોરે આશરે 1.30 વાગ્યે બની હતી. અજાણ્યા વ્યક્તિઓએ મંદિર તરફ ઈંટો ફેંકતાં નોંધપાત્ર નુકસાન થયું હોવાનું સંગઠને જણાવ્યું છે. ઉપલબ્ધ માહિતીમાં કોઈ શંકાસ્પદની ઓળખ અથવા ઘટનાનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓ અંગે ચિંતા

હિન્દુ સ્વયંસેવક સંઘ, અમેરિકાએ આ ઘટનાની નિંદા કરતાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકાનાં અલગ-અલગ શહેરો અને નગરોમાં હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડવાની અંદાજે 15થી 20 ઘટનાઓ નોંધાઈ છે. સંગઠનના જણાવ્યા મુજબ, આવા બનાવોને ગંભીરતાથી લઈને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે.

અમેરિકામાં અગાઉ પણ વિવિધ હિન્દુ મંદિરોમાં તોડફોડ અને દિવાલો કે બોર્ડ પર અપમાનજનક લખાણ કરવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. માર્ચ 2025માં કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના નોંધાઈ હતી. તે સમયે મંદિરના બોર્ડ, દીવાલ અને ફૂટપાથ પર રંગથી લખાણ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ઓહાયોની તાજી ઘટનામાં તૂટેલી બારીઓ ઉપરાંત અન્ય નુકસાનની સંપૂર્ણ વિગતો હજી જાહેર થઈ નથી. ઘટનાને લઈને સ્થાનિક હિન્દુ સમુદાયમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.