અમેરિકાના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં આવેલા શક્તિશાળી તોફાનને કારણે ન્યૂ યૉર્ક અને ન્યૂ જર્સીના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જોરદાર પવનો અને ભારે વરસાદથી વીજ પુરવઠો તથા પરિવહન વ્યવસ્થા અસરગ્રસ્ત થઈ છે.

ખરાબ હવામાનને કારણે સ્ટેડિયમોમાં યોજાનારા અનેક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. નૅશનલ વેધર સર્વિસ અનુસાર, શનિવારે ન્યૂ યૉર્ક સિટી અને બૉસ્ટન સહિતના વિસ્તારોમાં ઝડપી પવનો સાથે ભારે વરસાદ નોંધાયો હતો.

ન્યૂ યૉર્ક અને ન્યૂ જર્સીમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. વર્જિનિયાથી લઈને મેઈન રાજ્ય સુધી વરસાદ અને ઝડપી પવનોની આગાહી કરવામાં આવી છે. ન્યૂ જર્સીના સર્ફ સિટીમાં 26 સપ્ટેમ્બરે પૂરથી અસરગ્રસ્ત રસ્તાઓ પર લોકો અવરજવર કરતા જોવા મળ્યા હતા.

બૅંગકૉકમાં પૂર સંબંધિત ઇમરજન્સી

થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉકમાં સતત ભારે વરસાદ બાદ પૂર સંબંધિત ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ગુરુવારથી અત્યાર સુધી શહેરમાં 300 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે.

બૅંગકૉક મૅટ્રોપોલિટન ઑથોરિટીએ જણાવ્યું કે વરસાદ હાલ બંધ થઈ ગયો છે, પરંતુ શહેરની નહેરોમાં પાણીનું સ્તર હજુ ઊંચું છે. શહેરના ગવર્નરે પૂરનું જોખમ સંપૂર્ણપણે ટળ્યું નથી તેવી ચેતવણી આપી છે.

વહીવટી તંત્રે લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવાની અપીલ કરી છે. નહેરોની આસપાસ રહેતા લોકોને જરૂરી સામાન ઉપરના માળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદથી શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને વ્યસ્ત માર્ગવ્યવસ્થા પર ગંભીર અસર પડી છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે.