લંડન: જાણીતા બ્રિટિશ લેખક જેફ્રી આર્ચરનું 5 ઓક્ટોબર, 2026ના રોજ 86 વર્ષની વયે અવસાન થયું. તેમના પ્રકાશક HarperCollinsના જણાવ્યા અનુસાર તેઓ ઘરે લેખન સત્રો વચ્ચે અચાનક અને શાંતિપૂર્વક અવસાન પામ્યા હતા. આર્ચરના અવસાનના એક દિવસ બાદ, 6 ઓક્ટોબરે તેમની અંતિમ નવલકથા ‘Adam & Eve’ વૈશ્વિક સ્તરે પ્રકાશિત થઈ રહી છે.

આર્ચરે ‘Adam & Eve’ને પોતાની અંતિમ નવલકથા તરીકે રજૂ કરી હતી. લેખકની સત્તાવાર વેબસાઇટ મુજબ આ પુસ્તક બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિ ધરાવતી કથા છે, જેમાં અલગ સામાજિક પરિસ્થિતિમાં જન્મેલા બે બાળકોના જીવન અને તેમના નિર્ણયોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. પુસ્તકનું પ્રકાશન HarperCollins દ્વારા 6 ઓક્ટોબર, 2026 માટે નક્કી કરવામાં આવ્યું હતું.

પાંચ દાયકાની સાહિત્યિક કારકિર્દી

જેફ્રી આર્ચરની પ્રથમ નવલકથા ‘Not a Penny More, Not a Penny Less’ 1976માં પ્રકાશિત થઈ હતી. ત્યારથી પાંચ દાયકાની કારકિર્દીમાં તેમણે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને અન્ય પુસ્તકો લખ્યાં. ‘Kane and Abel’, ‘The Clifton Chronicles’ અને ‘William Warwick’ શ્રેણી તેમની જાણીતી કૃતિઓમાં સામેલ છે. HarperCollinsના આંકડા અનુસાર તેમના પુસ્તકો વિશ્વના 119 દેશોમાં 49 ભાષાઓમાં 300 મિલિયનથી વધુ નકલો વેચાઈ ચૂક્યાં છે.

આર્ચર ‘Sunday Times’ની બેસ્ટસેલર યાદીમાં કુલ 14 વર્ષ અને પાંચ મહિના, જ્યારે ‘New York Times’ની યાદીમાં સાડા પાંચ વર્ષ રહ્યા હતા. તેમના લેખનમાં મહત્વાકાંક્ષા, સ્પર્ધા, કુટુંબસંબંધો અને અણધાર્યા વળાંકો વારંવાર જોવા મળતા. ‘Kane and Abel’ તેમની સૌથી લોકપ્રિય કૃતિઓમાંની એક રહી છે.

અધૂરી રહી સાહિત્યિક મુલાકાત

આર્ચર આ સપ્તાહે યોજાનારા Cheltenham Literature Festivalમાં ‘Adam & Eve’ અને પોતાની 50 વર્ષની સાહિત્યિક સફર અંગે વાત કરવાના હતા. તેમના અવસાનના સમાચાર બાદ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. HarperCollinsના સંપાદક Kate Eltonે તેમને ‘માસ્ટર સ્ટોરીટેલર’ અને સંપાદકો માટે આદર્શ લેખક ગણાવ્યા હતા.