ભારતમાં ઈરાની દૂતાવાસે સંયુક્ત રાષ્ટ્ર (UN) પર કટાક્ષ કરવા માટે ભારતીય ફિલ્મ ‘શોલે’ના જાણીતા પાત્ર ઠાકુર બલદેવસિંહનો સહારો લીધો છે. દૂતાવાસે 29 સપ્ટેમ્બર, 2026ના રોજ X પર એક મીમ શેર કર્યો હતો, જેમાં UNની કથિત શક્તિ અને વાસ્તવિક મર્યાદા વચ્ચેનો વિરોધાભાસ બતાવવામાં આવ્યો છે.
મીમના એક ભાગમાં માર્વેલના પાત્ર ડૉક્ટર સ્ટ્રેન્જની અનેક હાથવાળી તસવીર મૂકવામાં આવી છે. તેની સાથે ‘UN according to school books’ એટલે કે ‘સ્કૂલની કિતાબો અનુસાર યુએન’ એવું લખવામાં આવ્યું છે. આ તસવીર દ્વારા UNને અનેક મોરચે અસરકારક રીતે કામ કરી શકે તેવી શક્તિશાળી સંસ્થા તરીકે રજૂ કરવામાં આવી છે.
બીજા ભાગમાં 1975ની ફિલ્મ ‘શોલે’માં સંજીવ કુમારે ભજવેલા ઠાકુર બલદેવસિંહનું પાત્ર બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં ઠાકુરના બંને હાથ કપાયેલા હોય છે. આ તસવીર સાથે ‘UN in reality’ એટલે કે ‘વાસ્તવિકતામાં યુએન’ લખીને ઈરાને સંકેત આપ્યો છે કે વૈશ્વિક સંસ્થા મોટા આંતરરાષ્ટ્રીય સંકટો સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં અસમર્થ છે.
યુએનની ભૂમિકા પર રાજદ્વારી કટાક્ષ
ઈરાની દૂતાવાસની પોસ્ટમાં કોઈ ચોક્કસ ઠરાવ કે ઘટનાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, મીમનો સંદેશ સ્પષ્ટ છે—પુસ્તકોમાં UNને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવાની સક્ષમ સંસ્થા તરીકે દર્શાવવામાં આવે છે, જ્યારે ઈરાનની નજરે વાસ્તવિક પરિસ્થિતિમાં તેની કાર્યવાહી કરવાની ક્ષમતા મર્યાદિત છે.
ભારતમાં ઈરાની દૂતાવાસે અગાઉ પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય સંસ્કૃતિ અને મીમ્સનો ઉપયોગ કરીને રાજકીય સંદેશ આપ્યો છે. આ વખતે ભારતીય સિનેમાના જાણીતા પાત્રનો ઉપયોગ કરીને સંયુક્ત રાષ્ટ્રની અસરકારકતા અંગે પોતાની ટીકા વ્યક્ત કરવામાં આવી છે.
