નવી દિલ્હી: રશિયન સશસ્ત્ર દળોમાં ભારતીય નાગરિકોની ભરતીને લઈને ભારત સરકારે ફરી એકવાર કડક ચેતવણી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે રશિયન સેનામાં જોડાવું અત્યંત જોખમી અને જીવલેણ માર્ગ બની શકે છે.
મંત્રાલયે પરદેશમાં રોજગારી શોધતા ભારતીયોને અનધિકૃત એજન્ટો અને બોગસ નોકરીની ઓફરથી સાવધાન રહેવા અપીલ કરી છે. વિદેશમાં નોકરી માટે જતા લોકો ભરતી એજન્ટની વિશ્વસનીયતા અને રોજગાર કરારની યોગ્ય ચકાસણી કરે તે જરૂરી છે. વિદેશ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, ઉમેદવારોએ નોંધાયેલ ભરતી એજન્ટ સાથે જ વ્યવહાર કરવો અને સબ-એજન્ટોથી દૂર રહેવું જોઈએ.
ટૂંકા ગાળાના લાભની લાલચથી જોખમ
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષ દરમિયાન સરકાર ભારતીય નાગરિકોને રશિયન સેનામાં ભરતીના જોખમ અંગે વારંવાર સચેત કરી ચૂકી છે. તેમ છતાં કેટલાક લોકો ટૂંકા ગાળાના આર્થિક લાભની આશામાં રશિયન દળોમાં જોડાઈ રહ્યા છે.
મંત્રાલયે કહ્યું છે કે કેટલાક લોકો એવી માન્યતા સાથે ભરતી થાય છે કે બાદમાં ભારત સરકારનો સંપર્ક કરીને તેઓ સેવામાંથી મુક્તિ મેળવી શકશે. સરકારના જણાવ્યા અનુસાર, આવી અપેક્ષા ગંભીર જોખમ ઊભું કરી શકે છે. કેટલાક કિસ્સામાં રશિયન પાસપોર્ટ મેળવવા માટે ભારતીય નાગરિકતા છોડવાના પગલાં પણ લેવામાં આવ્યા હોવાનું મંત્રાલયે નોંધ્યું છે.
ભારતીયોને પરત લાવવા પ્રયાસ
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયન દળોમાં સેવા આપી રહેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને શક્ય તેટલી વહેલી તકે સલામત રીતે ભારત પરત લાવવા માટે રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે.
સરકારની અપીલનો મુખ્ય ઉદ્દેશ બોગસ રોજગાર વચનો અને ગેરમાર્ગે દોરતી ભરતીથી ભારતીય નાગરિકોને બચાવવાનો છે. રશિયન સેનામાં ભરતીને સામાન્ય વિદેશી રોજગારની તક તરીકે ન જોવી અને કોઈપણ ઓફર સ્વીકારતા પહેલાં તેની સત્તાવાર ચકાસણી કરવી જરૂરી છે.
