યમનનું હૂતી સંગઠન આજે મધ્યપૂર્વના સૌથી પ્રભાવશાળી સશસ્ત્ર જૂથોમાં ગણાય છે. જોકે તેની શરૂઆત સીધી રીતે કોઈ આંતરરાષ્ટ્રીય સૈન્ય અભિયાનથી નહીં, પરંતુ ઉત્તર યમનના ઝાયદી શિયા સમુદાયમાં ઊભેલા ધાર્મિક અને સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રયાસોથી થઈ હતી. આ સંગઠનનું સત્તાવાર નામ ‘અંસાર અલ્લાહ’ છે અને તેનું નામ હૂતી પરિવાર પરથી પડ્યું છે.
1990ના દાયકામાં આંદોલનનો મુખ્ય ભાર ઝાયદી ઓળખ અને ધાર્મિક પરંપરાઓના સંરક્ષણ પર હતો. સમય જતાં તેણે રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લાહ સાલેહની સરકારની નીતિઓ, ભ્રષ્ટાચાર અને અમેરિકાના પ્રભાવ સામે વિરોધ શરૂ કર્યો. 2004થી 2010 દરમિયાન હૂતી લડવૈયાઓ અને યમનની કેન્દ્ર સરકાર વચ્ચે છ તબક્કામાં સશસ્ત્ર સંઘર્ષ થયો.
ઈંધણના ભાવથી મળેલો રાજકીય આધાર
2014માં યમન સરકારે ઈંધણ સબસિડીમાં ઘટાડો કરતાં ભાવમાં મોટો વધારો થયો. હૂતીઓએ આ નિર્ણય વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યા અને ઈંધણના ભાવ ઘટાડવા ઉપરાંત નવી સરકારની માંગ ઉઠાવી. આ આંદોલનથી તેમને પોતાના પરંપરાગત ઉત્તર યમનના આધારવિસ્તારની બહાર પણ લોકસમર્થન મેળવવાની તક મળી.
તે જ વર્ષે હૂતી દળોએ યમનની રાજધાની સના પર કબજો જમાવ્યો. ત્યારબાદ તેમણે દક્ષિણ તરફ આગળ વધતાં દેશની રાજકીય વ્યવસ્થા વધુ અસ્થિર બની. 2015માં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને હૂતી નિયંત્રણ પાછું મેળવવા સૈન્ય અભિયાન શરૂ કર્યું અને યમનનું સંઘર્ષ લાંબા ગાળાના ગૃહયુદ્ધમાં ફેરવાયું.
સ્થાનિક આંદોલનથી પ્રાદેશિક શક્તિ સુધી
હૂતી સંગઠનનો આધાર યમનના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં છે. ઈરાન તરફથી મળતા રાજકીય અને સૈન્ય સમર્થનને કારણે તેની ક્ષમતામાં વધારો થયો હોવાનો નિષ્ણાતોનો મત છે, જોકે બંને પક્ષોની ધાર્મિક પરંપરાઓ એકસરખી નથી. લાલ સમુદ્રમાં વહાણવ્યવહાર સામેના હુમલાઓ બાદ હૂતી મુદ્દો યમનની સીમાઓ બહાર વૈશ્વિક સુરક્ષા અને વેપાર માટે પણ મહત્વનો બન્યો છે.
