અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના પૂર્વ અધિકારી ડેવિડ રશે અમેરિકન સરકાર સાથે આશરે 20 કરોડ ડૉલરની છેતરપિંડી કર્યાનું કબૂલ્યું છે. 49 વર્ષીય રશે વાયર ફ્રોડના એક આરોપમાં દોષ સ્વીકાર્યો છે. તેમની ધરપકડ વખતે ઘરમાંથી 298 સોનાની ઈંટો, આશરે 20 લાખ ડૉલર રોકડા અને 35 લક્ઝરી ઘડિયાળો મળી આવ્યાં હતાં.
કોર્ટમાં રજૂ કરાયેલી સમજૂતી મુજબ, રશને સરકારને વળતર ચૂકવવું પડશે અને ગુનાથી જોડાયેલી મિલકતો તથા બીજી સંપત્તિ સોંપવી પડશે. સોનાની ઈંટો અને રોકડ ઉપરાંત, બે BMW કાર, ઘડિયાળો, ફ્લોરિડાની મિલકતો અને તેમના બૅન્કખાતામાંથી જપ્ત કરાયેલા આશરે 3.9 કરોડ ડૉલર પણ સરકારને સોંપવાની સમજૂતીમાં જોગવાઈ છે. તેમની સજા ફેડરલ ન્યાયાધીશ પછીથી નક્કી કરશે. વાયર ફ્રોડના આરોપમાં મહત્તમ 20 વર્ષની જેલ થઈ શકે છે.
ખોટા કાર્યક્રમો અને મિલકતના સોદા
કોર્ટના દસ્તાવેજો પ્રમાણે, રશે સરકારી નાણાં મેળવવા માટે ખોટા કોન્ટ્રાક્ટ અને રિયલ એસ્ટેટ સોદાઓનો ઉપયોગ કર્યો હતો. દક્ષિણ ફ્લોરિડામાં આલીશાન મકાનો ખરીદવા માટે તેમણે એક ખાનગી કાર્યક્રમની બનાવટી કહાણી ઊભી કરી હતી. દસ્તાવેજોમાં જણાવાયું છે કે પછી આ મિલકતો વ્યક્તિગત નફા માટે વેચવાનો તેમનો ઇરાદો હતો.
પ્રોસિક્યુટરોના જણાવ્યા પ્રમાણે, રશ પોતે જ વ્યવહારો મંજૂર કરનારા અધિકારીની ભૂમિકામાં હતા. આ રીતે સરકારી નાણાંના ખર્ચ પર અસરકારક દેખરેખ રહી નહોતી. છેતરપિંડીથી મેળવાયેલા નાણાંથી મિલકતો ખરીદાઈ હતી. એ પૈસામાંથી એક ઘર માટે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવામાં આવ્યો હતો અને 40 હજાર ડૉલરના રસોડાનાં ઉપકરણો ખરીદવામાં આવ્યાં હતાં. જાન્યુઆરી 2026માં થયેલો 4.5 કરોડ ડૉલરનો ટ્રાન્સફર પણ વાયર ફ્રોડના આરોપ સાથે જોડાયેલો છે.
ગુપ્ત માહિતી આપ્યાનો સ્વીકાર
સમજૂતી સાથેના દસ્તાવેજોમાં રશે એક વિદેશી અધિકારીને ગુપ્ત માનવ સ્રોતના અસ્તિત્વ અને તેની ઓળખ અંગેની માહિતી આપી હોવાનું પણ નોંધાયું છે. પ્રોસિક્યુટરોના મતે, આ ખુલાસાથી તે સ્રોત અને તેની સાથે કામ કરતા અમેરિકન અધિકારીઓની સુરક્ષાને જોખમ થઈ શકતું હતું. રશે એવી ટૉપ સિક્રેટ માહિતી એક વિદેશી સરકારી અધિકારીને આપી, જેને તે મેળવવાની પરવાનગી નહોતી અને જેને તેની જરૂર પણ નહોતી.
CIAના ડિરેક્ટર જૉન રેટક્લિફે નિવેદનમાં કહ્યું હતું કે રશે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને જનતાના વિશ્વાસ સાથે દગો કર્યો. કોર્ટના દસ્તાવેજોમાં રશને વર્જિનિયામાં આવેલી એક સરકારી એજન્સીના પૂર્વ વરિષ્ઠ અધિકારી તરીકે ઓળખાવાયા છે. તેમને ટૉપ સિક્રેટ સુરક્ષા મંજૂરી હતી અને ખાનગી માહિતી સુધી પહોંચ હતી. તેમની CIA કારકિર્દી અંગે જાહેર અદાલતી રેકૉર્ડમાં વધુ વિગતો નથી.
કેસમાં અગાઉ રશ પર નૌકાદળની સેવા અને નોકરી માટેની અરજી અંગે ખોટી માહિતી આપવાના પણ આરોપો લાગ્યા હતા. અદાલતી રેકૉર્ડમાં તેમની શૈક્ષણિક અને લશ્કરી લાયકાત અંગેના કેટલાક દાવા ખોટા હોવાનું નોંધાયું છે. અમેરિકી મીડિયાના અહેવાલો પ્રમાણે, CIAના કેટલાક અધિકારીઓને રજા પર મોકલી આ ભરતી અને પૃષ્ઠભૂમિ તપાસની પ્રક્રિયાની પણ તપાસ થઈ રહી છે. રશના વકીલે દોષ કબૂલ્યા બાદ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
