અલ નીનોની આત્યંતિક હવામાનની અસર વૈશ્વિક અર્થતંત્રને 11 ટ્રિલિયન ડૉલર સુધીનું નુકસાન પહોંચાડી શકે છે અને ખાદ્ય સુરક્ષા પર ગંભીર અસર કરી શકે છે. ગ્રામીણ ગરીબી સામે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા IFADના નવા અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે હવામાન અને આર્થિક આંચકા નાના ખેડૂતો તથા ગ્રામીણ અર્થતંત્ર પર એકસાથે અસર કરે છે. ખેતીમાં ખલેલ પડે તો તેની અસર ખેતર પૂરતી સીમિત રહેતી નથી; તે વ્યાપક અર્થતંત્ર સુધી પહોંચે છે.

અહેવાલ પ્રમાણે, 2026માં ઊર્જા અને ખાતરના ભાવમાં આવેલા આંચકાએ એક જ વાવણીની મોસમમાં ખાદ્યપ્રણાલીના વિવિધ તબક્કાઓનો ખર્ચ વધાર્યો છે. તેમાં ઉત્પાદન, પ્રક્રિયા, પરિવહન અને વિતરણનો સમાવેશ થાય છે. આવા સંયુક્ત આંચકાઓ સામે ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવવા IFADએ ખેડૂતોને ખેતીનાં સાધનો, બજારો, ટેક્નોલોજી અને નાણાકીય સેવાઓ સાથે જોડતાં રોકાણની ભલામણ કરી છે. તેમાં ધિરાણ અને હવામાન વીમાનો પણ સમાવેશ થાય છે.

ખેતીની આવક બચાવવા સંકલિત સહાય

IFADના મોડેલિંગ પ્રમાણે, દુષ્કાળ અને ભાવવધારાની અસર એકસાથે થાય ત્યારે જુદાં જુદાં પગલાંને જોડવાથી ખેડૂતોની આવકનું રક્ષણ લગભગ બમણું અસરકારક બને છે. માત્ર વીમા જેવી નાણાકીય સહાયથી ખેતીની આવકનું નુકસાન 9.8 ટકા ઘટે છે. તેની સામે, ખેતીનાં સાધનો, બજાર સુધી પહોંચ અને નાણાંકીય સહાયને જોડવાથી નુકસાનમાં 18.7 ટકાનો ઘટાડો થાય છે.

IFADના પ્રમુખ અલ્વારો લારિયોએ જણાવ્યું હતું કે સ્થિતિસ્થાપકતા માટે એકલાં પગલાંમાં નહીં, પરંતુ સાધનો, બજાર અને નાણાંકીય સહાયને જોડવામાં રોકાણ જરૂરી છે. તેમના મતે, એક ક્ષેત્રમાં થયેલો લાભ બીજા ક્ષેત્રની મુશ્કેલીને કારણે નકામો ન જાય તે માટે આ જોડાણ મહત્વનું છે.

મોઝામ્બિકના ઉત્તરીય કાબો ડેલગાડો પ્રાંતમાં સશસ્ત્ર જૂથોની હિંસાને કારણે લોકો ગામડાં છોડવા મજબૂર થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની ટીમો, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ સહિતના પરિવારોને સ્થળાંતરમાં મદદ કરી રહી છે. આ પ્રાંતમાં 80થી વધુ વિસ્થાપન સ્થળોએ 2,05,000થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે.

મોઝામ્બિકમાં વિસ્થાપિતોને મૂળભૂત મદદની જરૂર

સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંસ્થા (IOM)ના મોઝામ્બિક મિશનનાં વડા ડાના ગ્રેબર લાડેકે જણાવ્યું હતું કે સશસ્ત્ર જૂથો ગામડાંમાં ઘૂસી રહ્યાં હોવાની ધમકી અથવા અફવાઓને કારણે લોકો ઘર છોડે છે. વર્ષોથી ચાલી રહેલા હુમલાઓએ માછીમારી અને ખેતી પર નભતાં સમુદાયોને અસર કરી છે. નવા આવનારાઓને આશ્રય આપતાં કેટલાક સમુદાયોમાં ગરીબીનું પ્રમાણ ઊંચું છે અને આરોગ્યસેવા, પાણી તથા સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. IOM જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા ઉપરાંત સૌથી વધુ મુશ્કેલીમાં રહેલા લોકોને પ્રાથમિક સહાય આપે છે. સંસ્થાના જણાવ્યા મુજબ, વિસ્થાપિત પરિવારોની મુખ્ય જરૂરિયાતોમાં ખોરાક, આશ્રય અને કામનો સમાવેશ થાય છે.

યમનમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દક્ષિણના 11 ગવર્નરેટમાં ઓરી-રુબેલા રસીકરણ અભિયાન શરૂ કરી રહી છે. 6થી 59 મહિનાની વયનાં 9,57,196થી વધુ બાળકોને સુરક્ષિત કરવાનો આ અભિયાનનો હેતુ છે. WHO મુજબ, ઓરી અત્યંત ચેપી રોગ છે અને અસરકારક રસી ઉપલબ્ધ હોવા છતાં વિશ્વભરમાં નાનાં બાળકોના મૃત્યુનું મોટું કારણ છે. રુબેલા પણ ચેપી અને રસીથી અટકાવી શકાય એવો રોગ છે, જે ગંભીર જન્મજાત ખામીઓનું કારણ બની શકે છે.

યમનમાં 2,291 રસીકરણ ટીમો

વિસ્થાપન વધતાં પરિવારો ગીચ શિબિરોમાં રહેવા મજબૂર છે. તાજેતરમાં ઘર છોડનારાં, વિસ્થાપન સ્થળોએ રહેતાં અને આરોગ્યસેવા ઓછી મળતી વસ્તી સુધી પહોંચવા અભિયાનમાં ખાસ ધ્યાન અપાશે. કુલ 2,291 ટીમોમાં 643 સ્થિર ટીમો આરોગ્યસંસ્થાઓથી કામ કરશે, જ્યારે 1,648 મોબાઇલ ટીમો સમુદાયો સુધી જશે. દૂરના અને પહોંચવામાં મુશ્કેલ વિસ્તારોમાં બાળકો સુધી રસી પહોંચાડવામાં મોબાઇલ ટીમોની ભૂમિકા રહેશે. Gavi, the Vaccine Allianceના નાણાકીય સહયોગથી આ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે.