દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubaiની એક ફ્લાઈટે બુધવાર, 30 સપ્ટેમ્બર 2026ના રોજ હાઈજેકની આશંકા ઊભી કરતું ઇમરજન્સી સિગ્નલ આપ્યું હતું. ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું અને ઇઝરાયેલે પોતાના ફાઈટર જેટ્સને સતર્ક કર્યા હતા.
ફ્લાઈટ ટ્રેકિંગ માહિતી અનુસાર, વિમાને પહેલાં સામાન્ય ઇમરજન્સી માટે વપરાતો કોડ 7700 આપ્યો હતો અને ત્યારબાદ કોડ 7500 પ્રસારિત કર્યો હતો. કોડ 7500નો ઉપયોગ વિમાનના સંભવિત હાઈજેક અથવા ગેરકાયદે હસ્તક્ષેપની જાણ કરવા માટે થાય છે. આ સંકેતને પગલે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા ફેલાઈ હતી.
વિમાન સાઉદી અરેબિયામાં ઉતારાયું
રિપોર્ટ્સ અનુસાર, વિમાનને ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયાના Tabuk એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં આશરે 150 મુસાફરો સવાર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વિમાન સુરક્ષિત રીતે સાઉદી અરેબિયામાં ઉતર્યું હોવાનું પણ સામે આવ્યું છે.
હાઈજેક નહીં, પાયલટો વચ્ચેની અથડામણનો દાવો
બાદમાં ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું કે આ હાઈજેકની ઘટના નહોતી. પ્રાથમિક માહિતી મુજબ, કોકપિટમાં બંને પાયલટો વચ્ચે શારીરિક અથડામણ થઈ હતી અને તે દરમિયાન ઇમરજન્સી સિગ્નલ સક્રિય થયું હોવાનું માનવામાં આવે છે. જોકે ઘટનાની સંપૂર્ણ સત્તાવાર વિગતો અને Flydubaiનું નિવેદન હજુ સ્પષ્ટ રીતે જાહેર થયું નથી.
