ચીનના હેનાન પ્રાંતના જિયાઓઝુ શહેરમાં રેસ્ટોરાં ચેઇન ચલાવતાં મા યાનલીએ પોતાના બે કર્મચારીઓને BMW કાર ભેટમાં આપી છે. ઠંડીના વાતાવરણમાં ઇલેક્ટ્રિક સ્કૂટર પર કામે આવતા કર્મચારીઓની મુશ્કેલી જોઈને તેમણે આ નિર્ણય લીધો હતો. દરેક કારની કિંમત 3 લાખ યુઆન, એટલે આશરે રૂ. 43 લાખથી રૂ. 43.2 લાખ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બંને કારની સંપૂર્ણ કિંમત યાનલીએ ચૂકવી હતી.
યાનલીને કર્મચારીઓની મુસાફરીની તકલીફ અંગે ગયા શિયાળાથી વિચાર આવતો હતો. એક સવારે લી જીએ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવીને રેસ્ટોરાં પહોંચતાં યાનલીએ તેને જોઈ હતી. લીના ગાલ ઠંડીથી લાલ થઈ ગયા હતા, કાન જાંબલી દેખાતા હતા અને હાથ ઠંડા પવનને કારણે જકડાઈ ગયા હતા. યાનલી પોતાની કારમાં આરામથી આવતી હતી. કર્મચારીની સ્થિતિ જોઈને તેણે વિચાર્યું કે પોતે કારમાં આરામથી મુસાફરી કરી શકે છે, તો કર્મચારી માટે આવું કેમ ન થઈ શકે.
લી જી આ રેસ્ટોરાંમાં આઠ વર્ષથી કામ કરે છે. તે બે કાર મેળવનાર કર્મચારીઓમાંની એક છે. 24 સપ્ટેમ્બરે યાનલી કેટલાક કર્મચારીઓને BMWના શોરૂમમાં લઈ ગઈ હતી. લી જીને ત્યાં પહોંચ્યા સુધી ખબર નહોતી કે તેને કાર મળવાની છે. યાનલીએ આ ભેટને ‘મોટું રમકડું’ ગણાવી હતી, પરંતુ લી જીને કાર મળવાની કલ્પના પણ નહોતી. કાર તે જ દિવસે તેના નામે નોંધાઈ હતી. તેના માટે કોઈ ચુકવણી કરવાની નહોતી અને યાનલીએ ભેટના બદલામાં તેની પાસેથી કરાર પણ કરાવ્યો નહોતો.
મહેનત અને કામની કદર
બીજી કર્મચારી લિયુ યિંગયિંગને ગ્રે રંગની BMW મળી. યાનલીએ તેની પસંદગી પાછળ લિયુની મહેનત અને કામના સારા દેખાવને કારણ ગણાવ્યું હતું. લિયુએ કહ્યું હતું કે બોસે તેને જણાવ્યું કે તે મહેનતથી કામ કરે છે અને તેનું કામ ઉત્તમ છે, તેથી તે કારને પાત્ર છે.
કાર ખરીદવાનો નિર્ણય કર્મચારીઓની રોજિંદી મુસાફરીની મુશ્કેલીથી શરૂ થયો હતો, પરંતુ યાનલીએ તેને કંપનીની સફળતામાં કર્મચારીઓના ફાળાની કદર સાથે જોડ્યો. તેના કહેવા પ્રમાણે, ધંધાની સમૃદ્ધિ તમામ કર્મચારીઓના સામૂહિક પ્રયત્નોથી આવી છે અને તેમને પણ એ સફળતાનો લાભ મળવો જોઈએ.
યાનલીએ બંને કાર લગભગ બે અઠવાડિયા પહેલાં ખરીદી હતી અને સંપૂર્ણ રકમ અગાઉથી ચૂકવી દીધી હતી. સામાન્ય બોનસ કે પગારવધારાથી અલગ, આ ભેટનો સીધો હેતુ કર્મચારીઓની કામે આવવા-જવાની મુશ્કેલી હળવી કરવાનો હતો. લી જી અને લિયુ યિંગયિંગે આ રીતે મળેલી કારથી પોતાની રોજિંદી મુસાફરીમાં મોટો ફેરફાર અનુભવવાનો છે.
