બ્રિટનમાં સગીર છોકરીઓને ઓનલાઇન ફસાવી, તેમની તસવીરો અને વીડિયો દ્વારા બ્લેકમેલ કરવાના કેસમાં 27 વર્ષના બિલાલ કાજીને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 13 નવેમ્બર, 2026ના રોજ ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવી હતી. સજા પૂરી થયા બાદ તેને વધારાના આઠ વર્ષ માટે વિસ્તૃત લાઇસન્સ હેઠળ રાખવાનો આદેશ પણ થયો છે. કાજીએ બાળજાતીય શોષણ સંબંધિત ગુનાઓ કબૂલ્યા હતા.

ખોટી ઓળખથી વિશ્વાસ જીતતો

ચેશાયર પોલીસની તપાસ મુજબ, કાજી સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મ પર ‘રીસ’ નામના કિશોર તરીકે ઓળખ આપતો હતો. છોકરીઓને તે તેમની ઉંમરનો બ્રિટિશ છોકરો હોવાનું મનાવી વિશ્વાસ જીતતો અને પછી તેમની પાસેથી જાતીય તસવીરો તથા વીડિયો માગતો. તેઓ વધુ સામગ્રી મોકલવાનો ઇનકાર કરે તો અગાઉ મોકલેલી તસવીરો અન્ય લોકોને મોકલવાની ધમકી આપતો હતો. Snapchat, Roblox અને Wink સહિતના પ્લેટફોર્મનો ઉપયોગ થયાનું તપાસમાં જણાવાયું છે.

પોલીસે શરૂઆતમાં 180 સંભવિત પીડિતાઓને ઓળખી હતી. વધુ તપાસ બાદ બ્રિટનના 28 પોલીસ વિસ્તારોમાં રહેતી 70 છોકરીઓની ઓળખ થઈ. પોલીસના જણાવ્યા મુજબ, ગુનાના સમયગાળામાં તેમની ઉંમર 11થી 17 વર્ષની વચ્ચે હતી. કાજીના ઉપકરણોમાંથી મળેલી માહિતી અને યુઝરનેમના આધારે તપાસકર્તાઓએ પીડિતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદથી શરૂ થઈ તપાસ

એક 13 વર્ષની છોકરીએ Snapchat પર કાજી સાથે વાતચીત શરૂ કરી હતી; તેને લાગતું હતું કે તે પણ તેની ઉંમરનો છે. વાતચીત આગળ વધતાં તેણે તસવીરો માગી અને પછી છોકરીએ સંપર્ક માત્ર મિત્રતા પૂરતો રાખવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેને ધમકી આપી. છોકરીના ખાતામાં ગેરકાયદે પ્રવેશ કરીને તેની તસવીરો મિત્રો સુધી પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ બાદ તપાસ આગળ વધી.

કાજીની 21 જુલાઈ, 2023ના રોજ હીથ્રો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં તેના ફોન અને અન્ય ઉપકરણોની તપાસ કરીને સંભવિત પીડિતાઓ અંગેની વિગતો એકત્ર કરવામાં આવી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના જણાવ્યા મુજબ, કાજીને 30 વર્ષની કેદ અને ત્યારબાદ આઠ વર્ષના વિસ્તૃત લાઇસન્સની સજા થઈ છે. સજા સાથે તેના પર જાતીય હાનિ નિવારણ અને પ્રતિબંધના આદેશો પણ લાગુ કરાયા છે.